મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

તામિલનાડુમાં ૧૧,૯૯૯ મંદિરોમાં એક વખત પણ નથી થતી પૂજા

મંદિરોનો વહીવટ ભકતોને સોંપવા સદગુરૂ જગ્ગી વાસદેવે કરી માંગણી

નવી દિલ્હી,તા. ૨૬: સદગુરૂ જગ્ગી વાસુદેવે તામિલનાડુમાં મંદિરોની દુર્દશાને જાહેર કરીને તેનો વહીવટ ભકતોના હાથમાં સોંપવાની વાત કરી છે. તેમણે તામિલનાડુ સરકારના સોગંદનામાનો ઉલ્લેખ કરતા ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા સમજાવીને મંદિરોની દેખરેખ સંબંધિત સમુદાયના લોકોને આપવાનો આગ્રહ કર્યો છે. તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મંદિરો પર કબજો કરવાની માનસિકતા યાદ કરાવીને કહ્યુ છે કે હિંદુ ધર્મસ્થાનો સાથે આજે પણ ભેદભાવ રખાઇ રહ્યો છે. એવામાં જો મંદિરોનો વહીવટ સામાન્ય માણસોના હાથોમાં આવશે તો આ પવિત્ર સ્થળોનું ભાવિ તો સુરક્ષિત થશે જ પણ ધર્મનિરપેક્ષતાની સાચી તસ્વીર પણ ખરેખર સાકાર થશે.

પોતાના ટવીટ દ્વારા શેર કરાયેલ મેસેજમાં જગ્ગી વાસુદેવ કહે છે કે અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મંદિરોની સમૃધ્ધિની લાલચમાં તેમનો વહીવટ પોતાના હાથમાં લીધો હતો. પણ ધર્મ નિરપેક્ષતાનો સાચો અર્થ જ એ છે કે સરકાર ધર્મમાં દખલ ન કરે અને ધર્મ સરકારમાં દખલ ન દે. તેમણે કહ્યુ કે આજે પણ તામિલનાડુમાં હજારો મંદિરોની સ્થિતી દયનીય છે. અહીં ૧૧,૯૯૯ મંદિરો એવા છે જ્યાં એક વખત પણ પૂજા નથી થતી. ૩૪ હજાર મંદિર એવા છે. જેમની વાર્ષિક આવક ૧૦ હજાર રૂપિયાથી પણ ઓછી છે. ૩૭ હજાર મંદિરોમાં નિયમીત પુજાપાઠ માટે ફકત એક જ વ્યકિત છે. આ સ્થિતીમાં મંદિરોની દેખરેખ, સુરક્ષા વગેરે કેવી રીતે થઇ શકે.

સદગુરૂ જગ્ગી ઇશા ફાઉન્ડેશનની નામની માનવ સેવા સંસ્થાના સંસ્થાપક છે. ઇશા ફાઉન્ડેશન ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનોન, સિંગાપુર અને ઓસ્ટ્રેલીયામાં યોગ શીખવે છે. સાથે જ કેટલાય સામાજીક વિકાસ અને સામુદયિક વિકાસના કામો પણ કરે છે. તેમને સંયુકત રાષ્ટ્ર આર્થિક અને સામાજીક પરિષદમાં ખાસ સલાહકારની પદવી મળેલી છે. તેમણે ૮ ભાષાઓમાં ૧૦૦ થી વધારે પુસ્તકો લખ્યા છે. ૨૦૧૭માં ભારત સરકાર દ્વારા તેમને સમાજ સેવા માટે યજ્ઞવિભૂષણથી સન્માનિત કરાયા હતા.

(12:55 pm IST)