મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

પહેલા ડોઝ પછી ૫૭ ટકા પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન થઇ

કોરોના રોકવામાં ફાઇઝરની રસી ૯૪ ટકા અસરકારક

ઇઝરાઇલમાં પહેલા રિયલ વર્લ્ડ પરીક્ષણમાં કરાયો દાવો

વોશિંગ્ટન તા. ૨૬ : કોરોના વિરોધી જંગમાં આશાની એક નવી જાગી છે. રિયલ વર્લ્ડમાં મોટા પાયે કરાયેલ અભ્યાસમાં ફાયઝર - બાયોએન્ટેક દ્વારા વિકસીત કોરોના રસી કોરોનાને રોકવામાં ૯૪ ટકા અસરકારક સાબિત થઇ છે.

નિષ્ણાંતો અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે લોકડાઉન હટાવવાની મથામણ કરી રહેલા પશ્ચિમી દેશો માટે મોટી રાહત ગણાવી રહ્યા છે.

'ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં બુધવારે પ્રકાશિત અભ્યાસમાં રિસર્ચરોએ કહ્યું કે, કોરોના રસીથી ઉત્પન્ન થતી પ્રતિરોધક ક્ષમતા બાબતે અત્યાર સુધી જે પણ ડેટા ઉપલબ્ધ હતો, તે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલ કલીનીકલ પરીક્ષણ પર આધારિત હતો. જો કે રિયલ વર્લ્ડ, જ્યાં ઉષ્ણતામાન, ભેજ સહિતની અન્ય પરિસ્થિતિઓ સ્થિર નથી હોત, ત્યાં રસીની અસર બાબતે સ્થિતી સ્પષ્ટ ન હોતી. જો કે ઇઝરાઇલમાં ૧૨ લોકો પર થયેલ તાજો અભ્યાસ દર્શાવે છે કે ફાઇઝરની રસીના બે ડોઝ બધા આયુ વર્ગમાં કોરોનાના કેસ ૯૪ ટકા ઘટાડવામાં સક્ષમ છે. તેના પહેલા ડોઝથી જ બે અઠવાડિયામાં ૫૭ ટકા પ્રતિરોધક ક્ષમતા મળી જાય છે.'

અભ્યાસમાં ફાઇઝરની રસીને સાર્સ-કોવ-૨ સંક્રમણના ગંભીર કેસોમાં પણ ૯૦ ટકાથી વધારે ઘટાડો લાવવામાં કારગત જોવા મળી છે. અભ્યાસમાં ફાઇઝરની રસી બ્રિટનમાં મળેલ વાયરસના નવા સ્વરૂપ સામે લડવાની ક્ષમતા ઉત્પન્ન કરવામાં પણ કારગત જોવા મળી છે. જો કે દક્ષિણ આફ્રીકામાં મળી આવેલ નવા સ્વરૂપ પર તે અસરકારક છે કે નહીં તેનો ખુલાસો આ અભ્યાસમાં નથી થયો.

(11:36 am IST)