મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

નેશનલ હાઇવે પર ૮૯ ટકા ટોલ ટેકસ ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવ્યો

દેશમાં આ સમયે ૨.૫૪ કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર છે

નવી દિલ્હી,તા. ૨૬: સરકારના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઈવે પર ૮૯ ટકા ટોલ ટેકસ ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ)ના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર, ૨૦૨૦માં ફાસ્ટેગ દ્વારા ૨,૩૦૩.૭૯ કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો હતો, જે ડિસેમ્બર, ૨૦૧૯ના ૨૦૧ કરોડ રૂપિયાના ટોલ કલેકશન કરતા ૧૧ ગણો વધુ છે.

એનએચએઆઇના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ૧૭મી ફેબ્રુઆરીએ ફાસ્ટેગથી લગભગ ૬૦ લાખ ચુકવણી થઈ અને તેના દ્વારા ૯૫ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા. અધિકારીઓના અનુસાર છેલ્લા બે દિવસમાં જ લગભગ ૨.૫ લાખ ફાસ્ટેગ વેચાયા છે. એનએચએઆઇ લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા પહેલી માર્ચ સુધી ફ્રી ફાસ્ટેગ વહેંચવાનો નિર્ણય કર્યો છે. આ ફાસ્ટેગ તમે નેશનલ હાઈવે પર આવતા ટોલ પ્લાઝા પરથી લઈ શકો છો તેની માટે માટે ૧૦૦ રૂપિયા આપવાના હોય છે.

૧૫મી ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ટુ-વ્હિલર વાહનો સિવાય તમામ પ્રકારના વાહનોમાં ફાસ્ટેગ લગાવવો પડશે. જો વાહનમાં ફાસ્ટેગ નહીં લગાવવામાં આવે તો ડ્રાઈવર/માલિકને ટોલ પ્લાઝા પાર કરવા માટે ડબલ ટોલ ટેકસ અથવા દંડ આપવો પડશે. દેશમાં આ સમયે ૨.૫૪ કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર છે. ફાસ્ટેગની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી. તે ટોલ પ્લાઝા પર ઈલેકટ્રોનિક રીતે ચૂકવણી કરવાની સુવિધા છે.

(10:16 am IST)