મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

પાકિસ્તાનની બકરી ડબ્બામાં પુરવામાં પીએમ મોદીના 'જેમ્સ બૉન્ડ' અજિત ડોભાલની હતી મહત્વની ભૂમિકા

NSA ડોભાલ અને તેના પાકિસ્તાની સમકક્ષ મોઇદ યૂસુફ છેલ્લા ઘણા મહિનાઓથી એકબીજાના સંપર્કમાં હતા :બંનેની વચ્ચે એકવાર કોઈ ત્રીજા દેશમાં ફેસ ટૂ ફેસ મુલાકાત પણ થઈ.

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઑફ મિલિટ્રી (DGMO)ની વચ્ચે હોટલાઇન પર થયેલી વાતચીત બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એલઓસી  પર શાંતિની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. બંને દેશોએ તમામ સંધિઓ, કરારો અને સંઘર્ષ વિરામોના નિયમોનું પાલન કરવા પર સહમતિ વ્યક્ત કરી. એક રિપોર્ટ પ્રમાણે, તાજી સમજુતીની સ્ક્રિપ્ટ NSA અજીત ડોભાલના નેતૃત્વમાં પડદાની પાછળ પાકિસ્તાનની સાથે મહિનાઓથી ચાલી રહેલી વાતચીત દરમિયાન લખવામાં આવી.હતી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, NSA ડોભાલ અને તેમના પાકિસ્તાની સમકક્ષ મોઇદ યૂસુફ છેલ્લા ઘણા મહિનાઓથી એકબીજાના સંપર્કમાં હતા.

આ દરમિયાન બંનેની વચ્ચે એકવાર કોઈ ત્રીજા દેશમાં ફેસ ટૂ ફેસ મુલાકાત પણ થઈ. મુદ્દાની જાણકારી રાખનારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોભાલ અને યૂસુફ સતત સંપર્કમાં હતા. તેમની વચ્ચે ક્યારેય સીધી તો ક્યારેક મધ્યસ્થો દ્વારા વાતચીત થઈ રહી. ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલી બેક ચેનલ વાતચીતને પૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી હતી

 

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત ગણ્યા-ગાંઠ્યા લોકોને જ વાતચીત અને તેની ડિટેઇલ વિશે જાણકારી હતી. નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય તરફથી ગુરૂવારના જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંને દેશોના DGMOની વચ્ચે વાતચીતમાં તમામ સંધિઓ, કરારો અને સંઘર્ષ વિરામના નિયમોનું પાલન કરવા પર સહમતિ બની કે જો કોઈ સમજફેર થાય છે તો હોટલાઇન કૉન્ટેક્ટ અને બૉર્ડર ફ્લેગ મીટિંગ્સવાળી સિસ્ટમનો ઉપયોગ થશે.

 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગામી કેટલાક મહિનાઓમાં બંને દેશો સંબંધને સામાન્ય કરવાની દિશામાં કેટલાક અન્ય મહત્વના પગલા ઉઠાવી શકે છે. બંને દેશોની વચ્ચે બેક-ચેનલ વાતચીતના પહેલા સંકેત આ મહિને જ મળ્યા, જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ શાંતિની વાતચીત કરી. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદથી જ ભારતની વિરુદ્ધ બાજવા તીખા નિવેદન આપી રહ્યા હતા અને તેમની શાંતિની વાતો ચોંકાવનારી હતી. 2 ફેબ્રુઆરીના જનરલ બાજવાએ કહ્યું હતુ કે, આ જ સમય છે કે તમામ ક્ષેત્રોમાં શાંતિ માટે હાથ આગળ વધારવામાં આવે

તેના 3 દિવસ બાદ 5 ફેબ્રુઆરીના 'કાશ્મીર એકતા દિવસ' પર પાકિસ્તાન તરફથી જાહેર નિવેદનમાં સૂર કંઇક નરમ હતા. આ ઉપરાંત હાલના અઠવાડિયામાં એલઓસી પર પાકિસ્તાન તરફથી થનારા સીઝફાયર ઉલ્લંઘનોમાં કેટલોક ઘટાડો જોવા મળ્યો. બાજવાનો શાંતિનો રાગ, સંઘર્ષ વિરામ ઉલ્લંઘનોમાં ઘટાડો અને કાશ્મીર પર પાકિસ્તાનના સૂરમાં નરમાશ એ વાતના સંકેત આપી રહ્યા હતા કે બંને દેશો વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે.

(9:25 am IST)