મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધવિશ્વાસ ફેલાવવા મુદ્દે પોલીસે ક્લીનચિટ આપી

નાગપુર પોલીસે કહ્યુ-મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદની તપાસ બાદ નાગપુરના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી.

નાગપુર: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધવિશ્વાસ ફેલાવવા મામલે નાગપુર પોલીસે ક્લીનચિટ આપી છે. નાગપુર પોલીસે કહ્યુ કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદની તપાસ બાદ નાગપુરના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી

પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને લેખિત જવાબ પણ મોકલી આપ્યો છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના વીડિયોની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે નાગપુરમાં તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરમાં રામકથાનું આયોજન કર્યું હતું, પરંતુ રામકથા બે દિવસ ઘટાડવામાં આવી હતી. તે પછી મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી એક પેમ્ફલેટ પર લખીને લોકોના મનની વાત કહેવાનો દાવો કરે છે. લોકો તેમના વિશે બે જૂથમાં વહેચાયેલા છે. એક જુથ માને છે કે બાબા પાસે ચમત્કારિક શક્તિઓ છે જ્યારે બીજો જુથ કહે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે.

 

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના મનની વાત જાણવાનો દાવો કરે છે. નાગપુરમાં તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શ્રીરામ કથા સાથે દિવ્ય ચમત્કારી દરબાર લગાવવામાં આવ્યો હતો. તે બાદ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દાવાને પડકાર ફેક્યો હતો. સમિતિએ આરોપ લગાવ્યો હતો કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંધવિશ્વાસ ફેલાવે છે. સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે આરોપ લગાવ્યો હતો કે દિવ્ય દરબારની આડમાં ધીરેન્દ્ર શાસ્ત્રી જાદુ-ટોણાને ભાર આપવાની સાથે ધર્મના નામ પર લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

બાગેશ્વર ધામના કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર કરવાના દાવા પર સવાલો ઉભા થયા છે. કેટલાક લોકોએ તેમણે પડકાર ફેંક્યો છે અને તેને દંભી ગણાવ્યા છે. સંત સમાજ પણ તેમને લઈને વિભાજિત જણાય છે. એક તરફ જ્યાં અયોધ્યાના સંતો તેમના સમર્થનમાં ઉભા છે, તો બીજી તરફ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને વૃંદાવનના પ્રેમાનંદ મહારાજજી જેવા ધાર્મિક નેતાઓ તેમના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

(10:46 pm IST)