મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

ટીમ ઇન્ડિયાના ડબલ બ્લાસ્ટઃ વાઇટવોશ અને નંબર–વન

૧૩ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે વન–ડે સિરીઝમાં કલીનસ્વીપઃ ઘરઆંગણે સતત સિરીઝ જીતી : શાર્દુલ ઠાકુર મેચનો અને ગિલ સિરીઝનો એવોર્ડવિજેતાઃ ઓપનર કોન્વેની ૧૩૮ રનની શાનદાર સદી પાણીમાં ગઇ

નવી દિલ્હીઃ ભારતે ઇન્દોરમાં ન્યુઝીલેન્ડને અંતિમ વન–ડેમાં ૯૦ રનથી હરાવીને એનો ૩–૦થી વાઇટવોશ કર્યો હતો. કિવીઓ સામે ભારતની આ ત્રીજી કલીન સ્વીપ છે. ભારત વન–ડેમાં નંબર–વન પણ થઇ ગયુ છે. શાર્દુલ ઠાકુર(પચીસ રન અને ૪૫ રનમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ)નેે મેન ઓફ ધ મેચનો તથા શુભમન ગિલ(હાઇએસ્ટ ૩૬૦ રન)ને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ અપાયો હતો. કિવીઓ ૩૮૬ના ટાર્ગેટ સામે ૪૧.૨ ઓવરમાં ૨૯૫ રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. શાર્દુલ તથા કુલદીપે ત્રણ ત્રણ, ચહલે બે તેમજ ઉમરાન અને હાર્દિકે એક–એક વિકેટ લીધી હતી. શાર્દુલને બે ઓવરમાં કરેલા ત્રણ શિકારમાં મિચલ(૨૪), લેથમ(૦), અને ફિલિપ્સ(૫)નો સમાવેશ હતો. ઓપનર કોન્વે (૧૩૮ રન, ૧૦૦ બોલ, ૮ સિકસર, ૧૨ ફોર)ની શાનદાર સદી એળે ગઇ હતી. ઉમરાન મલિકે એકમાત્ર વિકેટ લીધી હતી અને કોન્વે તેનો બહુમૂલ્ય શિકાર હતો. એ પહેલા ભારતે ૯ વિકેટે ૩૮૫ રન બનાવ્યા હતા જેમાં સેન્ચુરિયનો શુભમન ગિલ(૧૧૨ રન, ૭૮ બોલ, પાંચ સિકસર, ૧૩ ફોર) અને રોહિત શર્મા(૧૦૧ રન, ૮૫ બોલ, ૬ સિકસર, ૯ ફોર)નુ  તેમજ હાફ સેન્ચુરીન હાર્દિક (૫૪ રન, ૩૮ બોલ, ૩ સિકસર, ૩ ફોર)નું યોગદાન હતું. બ્લેર ટિકનર અને જેકબ ડફીએ ત્રણ–ત્રણ વિકેટ લીધી હતી.

(1:26 pm IST)