મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

એક દિવસ માટે પોલીસ બનેલી પુત્રીએ પિતાને જ મેમો ફટકાર્યો

બાલિકા દિવસ નિમિત્તે અનોખો પ્રયોગ : ઉત્તર પ્રદેશના ઈટાવાના ઉસરાહર પોલીસ સ્ટેશનમાં બીએસસીની વિદ્યાર્થિનીને પ્રભારી પદનો હવાલો સોંપાયો

ઇટાવા, તા. ૨૫ : ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક દિવસ માટે 'પોલીસકર્મી' બનેલી દીકરીએ પિતાનો જ મેમો ફાડી દીધો. ફરજ પ્રત્યે જવાબદારી નિભાવતા બીએસસીની વિદ્યાર્થિની આકાંક્ષાએ આનો દાખલો બેસાડ્યો છે. તેણીએ હેલ્મેટ વિના બજારમાં દેખાતા પિતાનો પણ મેમો ફાડ્યો હતો. તેમજ ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન કરવાની સૂચના પણ આપી હતી.

બાલિકા દિવસ નિમિત્તે ઈટાવાના ઉસરાહર પોલીસ સ્ટેશનમાં આકાંક્ષા ગુપ્તાને પ્રભારી પદનો હવાલો સોંપાયો હતો. એક દિવસ માટે પ્રભારી બનેલી આકાંક્ષાએ ફરિયાદ કરનારાઓની ફરિયાદોથી લઈને અતિક્રમણ સુધીની ફરિયાદ અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. તે આ પોસ્ટની જવાબદારીથી ખુશ જોવા મળી હતી. પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યા બાદ અને તમામ પોલીસકર્મીઓ સાથે પરિચિત થયા પછી, આકાંક્ષા ગુપ્તા બજારમાં ચેકીંગ કરવા માટે નીકળી હતી. વાહનોની તપાસ કરતી વખતે આકાંક્ષાએ તેના પિતાએ હેલ્મેટ વગર જતા જોયા હતા. આકાંક્ષાએ તરત બાઇક રોકી અને મેમો ફાડવાની સૂચના આપી હતી. પિતાએ પણ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા શપથ લીધા હતા.

પોતાની ફરજ પ્રત્યે આકાંક્ષાએ કહ્યું કે તેમને પોલીસની કાર્યશૈલીને નજીકથી જાણવાનો મોકો મળ્યો. તેણે એમ પણ કહ્યું હતું કે, દીકરીઓ હવે સમાજ અને દેશના નિર્માણ માટે કદમથી કદમ મિલાવીને કામ કરી રહી છે. તેની સાથે કૃતિએ પણ સબ-ઇન્સ્પેક્ટરનો પદ સંભાળ્યો હતો.

(12:00 am IST)