મુખ્ય સમાચાર
News of Sunday, 26th January 2020

ઈરાનના હુમલામાં 34 સૈનિકોને માથામાં ગંભીર ઈજા થઈ હતી : એમાંથી અડધો અડધ સૈનિકો હજુય સારવાર હેઠળ : આખરે અમેરિકાએ સ્વીકાર્યું

અમેરિકા-ઈરાન વચ્ચેના ઘર્ષણમાં અમેરિકાના એક પણ સૈનિકને ઈજા થઈ નથી એવો દાવો ટ્રમ્પે કર્યો હતો. એ પછી આખરે અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્વીકાર્યું હતું કે ઈરાને કરેલા હુમલામાં 34 સૈનિકોને માથાની ઈજા થઈ હતી અને એમાંથી અડધો અડધ સૈનિકો હજુય સારવાર હેઠળ છે.

અમેરિકાએ ઈરાનના કમાન્ડર કાસીમ સુલેમાની ઉપર હુમલો કર્યો હતો. એના વળતા જવાબમાં ઈરાને પણ ઈરાક સ્થિત અમેરિકી લશ્કરી મથક ઉપર મિસાઈલ હુમલો કર્યો હતો. એ હુમલાના સંદર્ભમાં અમેરિકાએ સૈનિકો બાબતે ત્યારે એવી સ્પષ્ટતા કરી હતી કે ઈરાનના હુમલામાં અમેરિકાના એક પણ નાગરિકને ઈજા થઈ નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટરમાં એવો દાવો કર્યો હતો કે ઈરાનના હુમલામાં અમેરિકન નાગરિકોને કોઈ જ ઈજા થઈ નથી. જોકે, હવે અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે ઈરાનના હુમલામાં અમેરિકાના 34 સૈનિકોને માથામાં ઈજા થઈ હતી. એમાંથી 17 સૈનિકો હજુ પણ સારવાર હેઠળ છે.

 

પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા જોનાથન હોફમેને કહ્યું હતું કે 34માંથી 17 સૈનિકો ખતરાથી બહાર છે, જ્યારે 17 સૈનિકો ઉપર તબીબોની ટીમ નજર રાખી રહી છે. જોનાથનના કહેવા પ્રમાણે આઠ સૈનિકોને વધારે ઈજાની જરૂર હોવાથી તેમને અમેરિકામાં પાછા બોલાવી લેવામાં આવ્યા છે. બાકીના નવ સૈનિકોનો ઈલાજ જર્મનીમાં થઈ રહ્યો છે. સાજા થઈ ગયેલા 17 જવાનો ફરીથી ડયૂટીમાં જોડાઈ ગયા હોવાનું પણ અમેરિકાએ કહ્યું હતું.

(12:15 pm IST)