મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

સ્વ. અહેમદભાઇ પટેલ નર્મદા-ભરૂચ જીલ્લામાં ''બાબુભાઇ''ના હુલામણા નામથી ઓળખાતાઃ વાંદરી ગામ દત્તક લઇને વિકાસકાર્યો કર્યા'તા

રાજપીપળા તા. રપઃ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ''બાબુભાઇ''ના હુલામણા નામથી ઓળખાતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરાણા જેવા નાનકડા ગામના વતની કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ચાણકય એવા અહેમદભાઇ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન રપમી નવેમ્બરે ગુડગાંવની વેદાંત હોસ્પિટલમાં વહેલી સવારે ૩-૩૦ કલાકે અચાનક નિધન થતા એમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ છે. અહેમદ પટેલનું નિધન થતા રાષ્ટ્રીય રાજનીતિમાં એમનો ઓછાયો જરૂર વર્તાશે, અહેમદ પટેલના નિધનના સમાચાર મળતા લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને લોકસભા વિપક્ષ નેતા અધિર રંજન ચૌધરીએ પણ શોક વ્યકત કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સીટી-ર ખાતે ઓલ ઇન્ડિયા પ્રિ-સાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સના હાજરી આપવા આવેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલના નિધનના સમાચાર મળતા ખૂબ દુઃખ થયું છે, તેઓનું સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે, એમની ગેરહાજરી હંમેશા અમને અનુભવાશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી દુઃખની ઘડીમાં પરિવારને શકિત મળે અમે એમના પરિવારની સાથે જ છે.

જયારે વિપક્ષ નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને એક મોટી ખોટ પડી છે. કોંગ્રેસ માટે કોઇપણ મુશ્કેલીના ઉકેલની વાત હોય એટલે એક જ નામ આવે અને તે નામ એટલે અહેમદ પટેલ. કોંગ્રેસ કાર્યકર્તાઓઅ ને નેતાઓને જયારે મુશ્કેલી પડતી ત્યારે અમે પહેલા અહેમદ પટેલના ઘરે જતા હતા, તેઓ કોંગ્રેસ કાર્યકર્તા અને હાઇ કમાન્ડ વચ્ચે એક સેતુનું કામ કરતા હતા. તેઓને પક્ષના સામાન્ય કાર્યકરથી મોટો નેતા સરળતાથી મળી શકતો હતો. અહેમદ પટેલ પાર્ટીના કદાવર નેતા હતા, રાજકીય ક્ષેત્રે ખૂબ મોટી ખોટો પડી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ. અહેમદ પટેલે નર્મદા જિલ્લાનું વાંદરી ગામ દત્તક લીધું હતું. આઝાદી સમયથી વિકાસથી વંચિત નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડિયાપાડાના વાંદરી ગામને દત્તક લઇ પ્રાથમિક સુવિધાઓથી પુરી પાડવાનું બીડું ઝડપ્યું છે. ડેડિયાપાડાના વાંદરી ગામના ખેડૂતો વર્ષો પહેલા આકાશી ખેતી પર નભતા હતા અને વર્ષમાં ફકત એક જ સીઝનમાં પાક લઇ શકતા હતા. જે અહેમદ પટેલે દત્તક લીધા બાદ ગામમાં સિંચાઇની સુવિધાઓમાં વધારો થતા ખેડૂતોએ વિવિધ રોકડીયા પાક થકી સક્ષમ થયા હતા. સ્થાનિક ગ્રામજનોની મંડળી દ્વારા જ ચેકડેમ સહિત કૂવાનું ખોદકામ અને ચણતર કરાતા સ્થાનિકોને જ રોગારી મળી રહી હતી. વધુમાં સોલાર, આંગણવાડી, બાલમંદિર, સહિત એ વિસ્તારમાં રોડ રસ્તા પુલ, ચેકડેમ પણ ત્યાં બનાવાયા હતા.

અહેમદ પટેલે પોતે દત્તક લીધેલા નર્મદા જિલ્લાના વાંદરી ગામની મુલાકાતે પહેલી વાર પહોંચ્યા ત્યારે રસ્તાઓના પણ ઠેકાણા નહોતા, તેઓ પોતાની કારમાંથી ઉતરી ઉનાળાના ભર ચડકામાં પ-૬ કિ.મી. ચાલીને ગામ લોકોની મુલાકાત કરી એમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. હાલમાં વાંદરી ગામની કાયા પલટ થઇ ગઇ છે. અહેમદ પટેલના નિધનના સમાચારથી ''વાંદરી'' ગામ લોકોમાં શોકની લાગણી છવાઇ છે.

અહેમદ પટેલે નર્મદા જિલ્લાનું ''વાંદરી'' ગામ દત્તક લીધા બાદ એ ગામની કાયા પલટ થઇ હતી. ગામના બાળકોની ભવિષ્યની ચિંતા કરી અહેમદ પટેલ પોતાની ગ્રાન્ટમાંથી દર વર્ષે ત્યાંના બાળકોને, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાતા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે અહેમદ પટેલની એચએમપી ફાઉન્ડેશન દ્વારા ચાલતી હોસ્પિટલમાં હજારો આદિવાસી દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી. ''વાંદરી'' ગામની સાથે સાથે એ વિસ્તારના અન્ય ગામો પણ વિકાસની કેડીએ દોટ મૂકી હતી. અહેમદ પટેલ અવાર નવાર ''વાંદરી'' ગામની સ્થિતિ બાબતે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ પણ કરતા હતા.

આમ તો નેતાઓ પહેલેથી જ વિકાસ કામ ચાલી રહ્યું હોય એવા જ ગામોને દત્તક લે છે, પણ અહેમદ પટેલે આઝાદી બાદ પણ વિકાસ ઝંખતું એવું નર્મદા જિલ્લાનું અંતરિયાળ ''વાંદરી'' ગામ દત્તક લીધું હતું. અંતરીયાળ વિસ્તારના એ ગામમાં વિકાસ કરી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડનાર અહેમદ પટેલને વર્ષ ર૦૧૮ માં એનએમડી ન્યુઝ નેટવર્ક દ્વારા ''નર્મદા રત્ન'' એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

કોરોના મહામારીમાં સરકારે અચાનક લોકડાઉન જાહેર કર્યું હતું. દરમિયાન રોજગારીના અભાવે આદિવાસીઓ માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ બાબત અહેમદ પટેલને ધ્યાને આવતા એમણે ''વાંદરી'' ગામ લોકોને ૪ મહિના સુધી ચાલી રહે એટલી માત્રામાં અનાજ કીટ પહોંચાડી હતી.

દરમિયાન એક ૮પ વર્ષના વૃધ્ધે એમને આદિવાસી ભાષામાં આશીર્વાદ આપતા કહ્યું હતું કે, ''અહેમદ પટેલ શા ભગવાન તુમન જીવતા રાખે'' હવે એ ઘટનાના ૬ મહિના બાદ અહેમદ પટેલનું નિધન થતા લોકો શોકમાં ગરકાયા છે.

યુપીએ-૧ અને યુપીએ-ર સરકાર દરમિયાન અહેમદ પટેલનું રાજકારણમાં મોટું વજન પડતું હતું. દરમિયાન દિલ્હી સ્થિત એમના નિવાસ સ્થાને એમને મળવા અનેક રાજયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ વેઇટિંગમાં બેસતા હતા. એ દરમિયાન નર્મદા-ભરૂચ જિલ્લામાંથી કોઇપણ વ્યકિત અચાનક ત્યાં પહોંચે તો એમને અહેમદ પટેલ પહેલી મુલાકાત આપતા હતા.

(3:36 pm IST)