મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અંકલેશ્વરના પિરામણ ગામમાં માતા-પિતાની કબર નજીક અહેમદભાઇ પટેલની દફનવિધી કરાશેઃ મૃત્યુ પછીનો રીપોર્ટ પણ પોઝીટીવ

ભરૂચ, તા.૨૫: એહમદ પટેલ મૃત્યુ પામ્યા પછી પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના વતન પિરામણ ખાતે માબાપની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમનો મૃતદેહ વિમાન માર્ગે ભરૂચ આવશે અને ત્યાંથી તેમના વતન પિરામણ ખાતે લઈ જવાશે.

આ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજયસભા સાંસદ અહેમદ પટેલ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. જયાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે, તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા વતન ખાતે કરવામાં આવે.

અહેમદ પટેલના અવસાનના સમચાર સાંભળીને અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અહેમદ પટેલની ઈચ્છા અનુસાર, પીરામણ ખાતે તેમના દફનવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીરામણ ગામમાં અહેમદભાઈના માતા-પિતાની કબર નજીક જ અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવી શકે છે.

ભરૂચ જિલ્લાના પિરામણ ગામમાં ૨૧ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ જન્મેલા અહેમદ પટેલની રાજકીય સફર રોમાંચક રહી છે. તેઓ પિરામણથી દિલ્હી સુધી પહોંચ્યા હતા. દિલ્હીમાં કામમાં વ્યસ્ત છતાં પિરામણ સાથે તેમનો અતૂટ સબંધ રહ્યો હતો. તેઓ અવારનવાર માદરે વતન પિરામણ આવતા હતા અને ગામની સમસ્યાનો ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા.

જો કે હજુ સુધી કોઈ સત્ત્।ાવાર નિર્ણય લેવાયો નથી. અહેમદ પટેલનો ફરીથી કોરોના રિપોર્ટ કરવામાં આવશે. જો તે નેગેટિવ આવશે, તો બપોર બાદ દિલ્હીથી ચાર્ટડ પ્લેનમાં તેમનો પાર્થિવ દેહ ગુજરાતના વડોદરા લવાશે. જયાંથી અંકલેશ્વરના પિરામણ ખાત લઈ જઈ તેમની દફનવિધિ માટે કરવામાં આવશે.

(3:35 pm IST)