મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અહેમદભાઈએ દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝને રાજકારણથી દુર રાખ્યા

ગાંધીનગર,તા. ૨૫:કોંગ્રેસ પાર્ટી અને ૧૦ જનપથના ચાણકય મનાતા સીનિયર નેતા અહેમદભાઈ પટેલનું બુધવારે સવારે કોરોનાને કારણે મોત નિપજયું છે. અહેમદ પટેલે ૧૯૭૬માં મેમૂના અહમદ સાથે લગ્ન કર્યા હતા. તેઓ મેમૂના પટેલ, દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલને નિરાધાર છોડીને દુનિયામાંથી વિદાય લીધી છે. પટેલનો પરિવાર રાજનીતિથી હાલ દૂર છે.

અહેમદભાઈ પટેલના દીકરા ફૈઝલ પટેલ ૩૯ વર્ષના છે. તેઓ બિઝનેસ એન્ત્રપ્રિન્યોર છે. મૂળ રુપે તે હેલ્થકેર, એજયુકેશન અને ટેકનોલોજિકલ સેકટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેમણે દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. ફૈઝલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરુ કર્યુ છે.

પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. હાલમાં ઈડીએ અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્ઘિકીના ઘરે અને ઓફિસ પર રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ઘ પગલા ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ હાલમાં જ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.

અહેમદ પટેલ ગાંધી પરિવારના સૌથી નજીક અને ગાંધીઓ બાદ નંબર ૨ પર માનવામાં આવી રહ્યા હતા. ઘણા પ્રભાવશાળી અસરવાળા અહેમદ પટેલ લો પ્રોફાઈલ રાખતા હતા. સાઈલેન્ટ અને દરેક માટે સિક્રેટિવ હતા. રાજનીતિથી દુર તેમણે ઘણી સાદગીથી પારિવારીક જીવન વિતાવવું પસંદ હતું.

(11:31 am IST)