મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

પગાર પંચ પ્રશ્ને આજે BSNL કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ

આજે બપોરે ૨ વાગ્યે દેખાવો - સૂત્રોચ્ચાર કરાયા : 4G સેવા - અનિયમીત પગાર - મેડીકલ બીલ સહિતના મુદ્દા અંગે લડત

રાજકોટ તા. ૨૫ : ત્રીજા બેઇઝ રીવીઝન એટલે કે ત્રીજા પગાર પંચ પ્રશ્ન સહિતના એક ડઝન મુદ્દા અંગે આજે રાજકોટના ૩૫૦ સહિત દેશભરના ૭૦ હજારથી BSNL કર્મચારીઓ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ ઉપર ઉતરી જશે. યુનિયન આગેવાનોના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆતો - મંત્રણા છતાં સરકારે કોઇ ઉકેલ નહી લાવતા તમામ યુનિયનોએ એક સાથે હાકલ કરી હડતાલનું એલાન આપ્યું છે, આ હડતાલમાં રાજકોટ શહેર - જિલ્લાના ૩૫૦ ઉપરાંત ગુજરાતના ૬ હજાર સહિત દેશભરમાં ૭૦ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશે.

પગારપંચ ઉપરાંત 4G સેવામાં થતાં ઠાગાઠૈયા, દર મહિને અનિયમીત પગાર, કોન્ટ્રાકટ બેઇઝ હેલ્પરો - કર્મચારીઓના બાકી ભથ્થા, મેડીકલ બીલ સહિત કુલ ૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે કર્મચારીઓએ હડતાલ શરૃ કરી છે.

દરમિયાન આજે મોંઘવારી કાપના મુદ્દે બપોરે ૨ વાગ્યે રાજકોટ સહિત દેશભરમાં કર્મચારીઓએ દેખાવો - સૂત્રોચ્ચાર કર્યા હતા, કાલે હડતાલને કારણે બીલીંગ સહિતની અનેક સેવાઓ ઠપ્પ થશે, કાલે પણ કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(10:31 am IST)