મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલ કોંગ્રેસના 'ચાણકય' હતાઃ પ્રધાન નહોતા છતા પ્રધાનોથી પાવરફુલ હતાઃ સંગઠનનું રીમોટ હાથમાં રહેતુઃ કોંગી નેતાઓના તમામ દર્દની તેમની પાસે દવા હતી

પડદા પાછળના કિંગ કહેવાતાઃ સાદગીભર્યુ જીવન અને પ્રચારથી દૂર રહેતાઃ ગાંધી પરિવારની ૩ પેઢીઓ સાથે કામ કર્યુઃ કોંગ્રેસની કમાન ભલે ગાંધી પરિવારના હાથમાં રહી હોય પરંતુ અહેમદ પટેલ વગર પક્ષમાં પત્તુ પણ હલતુ નહોતું

નવી દિલ્હી, તા. ૨૫ :. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલનુ આજે વહેલી સવારે અવસાન થયુ છે. રાજકીય વર્તુળોમાં તેઓ કોંગ્રેસના ચાણકય ગણાતા હતા. કોંગ્રેસના તાલુકા પંચાયતના અધ્યક્ષ પદથી રાજકીય સફર શરૂ કરનાર અહેમદ પટેલ ૮ વખત સાંસદ રહ્યા. ૨૬ વર્ષની ઉંમરે લોકસભામાં પહોંચ્યા એટલુ જ નહિ ગાંધી પરિવારની ૩ પેઢી સાથે તેમણે કામ કર્યુ. તેઓ બધાના વિશ્વાસુ બની રહ્યા પરંતુ કદી પ્રધાન ન બન્યા. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. ગાંધી પરિવારની સાથે તેમને કોંગ્રેસના સંકટ મોચક નેતા માનવામાં આવતા હતા. કહેવાય છે કે અહેમદ પટેલના કારણે જ સોનિયા ગાંધી ભારતીય રાજનીતિમાં ખુદને સ્થાપિત કરી શકયા. રાજીવ ગાંધીની હત્યા બાદ અહેમદભાઈને કારણે જ તેઓ પક્ષને સંભાળી શકયા અને નરસિંહ રાવ જેવા નેતાઓ સાથે સંબંધ વણસ્યા છતા તેઓ પક્ષ પર વર્ચસ્વ જમાવી શકયા. સોનિયાની આ સફર પાછળ અહેમદ પટેલનો મોટો હાથ હતો.

કોંગ્રેસની કમાન ભલે ગાંધી પરિવારના હાથમાં રહી હોય પરંતુ અહેમદ પટેલ વગર પક્ષમાં પત્તુ પણ હલતુ નહોતું

અહેમદ પટેલને ૧૦ જનપથના ચાણકય કહેવાતા હતા. ગાંધી પરિવારના સૌથી નજીક અને કોંગ્રેસના અત્યંત તાકાતવર અસર ધરાવતા અહેમદ પટેલ લો પ્રોફાઈલ રહેતા હતા અને ખુદને સાયલન્ટ મોડ પર રાખતા હતા. ગાંધી પરિવાર સિવાય કોઈપણને ખબર નહોતી કે તેમના મગજમાં શું ચાલે છે. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી કેન્દ્રની સત્તામાં કોંગ્રેસ રહી તેમા અહેમદ પટેલની રાજકીય તાકાત જોવા મળી રહી હતી. કોંગ્રેસ સંગઠન જ નહિ પરંતુ સરકારમાં કોંગી નેતાઓનું ભવિષ્ય પણ અહેમદ પટેલ નક્કી કરતા હતા. સોનિયા જ્યારે પણ કહેતા કે હું વિચારીને જણાવીશ તો માની લેવાતુ કે તેઓ અહેમદ પટેલની સલાહ લઈને ફેંસલો લેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો પક્ષમાં દબદબો હતો. તેઓ કદી પ્રધાન ન બન્યા છતા સત્તાના કેન્દ્રમાં રહ્યા હતા. પટેલના પ્રયાસો રહેતા કે દિલ્હી અને દેશના મીડીયામાં તેમના અહેવાલો ન છપાય. સત્તાના કેન્દ્રમાં હતા છતા તેઓ પ્રચારથી દૂર રહેતા. તેઓ પ્રચારથી દૂર રહેતા. સાદગીભર્યુ જીવન પણ જીવતા. તેમની પાસે કોંગ્રેસના દરેક નેતાના દર્દની દવા હતી. તેઓ પડદા પાછળના કિંગ કહેવાતા. કોંગ્રેસને સત્તા અપાવવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.

(10:23 am IST)