મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ડિસેમ્બરમાં આવી રહ્યાં છે અડધો ડઝન જેટલા આઈપીઓ

અત્યાર સુધીમાં ૧૨ કંપનીઓએ આઈપીઓ દ્વારા એકત્રિત ધોરણે રૂ. ૨૪,૯૬૩ કરોડનું ભંડોળ મેળવ્યું છે, જયારે વર્ષ ૨૦૧૯માં ૧૬ કંપનીઓએ રૂ. ૧૨,૩૬૩ કરોડ એકત્ર કર્યા હતાં

મુંબઈ, તા. ૨૫ : પ્રવાહિતા, રોકાણકારોની લાવ લાવ અને ડેબ્ટ રોકાણમાં ઓછા વળતર જેવા મુખ્ય ત્રણ કારણોને લીધે ઈકિવટી બજારમાં તેજીનો સંચાર જોવાયો છે અને પ્રમોટર્સ તેમની કંપનીના આઈપીઓ માટે લાઈન લગાવી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે છ કંપનીઓ ડિસેમ્બરમાં જાહેર ભરણાં લાવી રહી છે. બેન્કર્સે જણાવ્યું છે કે આ કંપનીઓમાં સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, નઝારા ટેકનોલોજીસ, રેલટેલ, બર્ગર કિંગ, કલ્યાણ જવેલર્સ અને એન્ટની વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ છે અને હાલ તેમના રોડ શો ચાલી રહ્યાં છે.

વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં ૧૨ કંપનીઓએ આઈપીઓ દ્વારા એકત્રિત ધોરણે રૂ. ૨૪,૯૬૩ કરોડનું ભંડોળ મેળવ્યું છે, જયારે વર્ષ ૨૦૧૯માં ૧૬ કંપનીઓએ રૂ. ૧૨,૩૬૩ કરોડ એકત્ર કર્યા હતાં. આ વર્ષના મોટા ભાગના આઈપીઓએ તગડું વળતર આપ્યું છે. રૂટ મોબાઈલ તેના ઈશ્યુ પ્રાઈસ કરતાં ૧૭૯ ટકા પ્રિમીયમે, હેપ્પીએસ્ટ માઈન્ડ ૯૨ ટકા, રોસારી બાયોટેક ૮૬ ટકા, ગ્લેન્ડ ફાર્મા ૪૦ ટકા અને મઝગાંવ ડોક ૨૫ ટકા પ્રિમીયમે ટ્રેડ થઈ રહ્યાં છે.

ખાનગી ઈકિવટી કંપની વોરબર્ગ પિંકસનો ટેકો મેળવનાર કલ્યાણ જવેલર્સ ડિસેમ્બરમાં રૂ. ૧૭૫૦ કરોડનો આઈપીઓ લાવશે. આ આઈપીઓમાં રૂ. ૧૦૦૦ કરોડના ફ્રેશ ઈશ્યુ અને રૂ. ૭૫૦ કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ છે. સૂર્યોદય એસએફબી અને ઈએસએએફ એસએફબી રૂ. ૧૦૦૦ કરોડનો આઈપીઓ લાવશે.

રાકેશ જુનજુનવાલાનો ટેકો મેળવેલી નઝારા ટેકનોલોજીસ આઈપીઓ દ્વારા રૂ. ૯૬૦ કરોડનું ભંડોળ મેળવવા ધારે છે. આ કંપનીમાં જુનજુનવાલા ઉપરાંત વેસ્ટબ્રિજ વેન્ચર્સ, ટર્ટલ એન્ટરટેઈનમેન્ટ, આઈઆઈએફએલ, સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ અને ઈમર્જિંગ ઈન્વેસ્ટમેન્ટ્સ મુખ્ય શેરધારકો છે.લૃ

કોટક ઈન્વેસ્ટમેન્ટ બાંકિંગના ઈકિવટી કેપિટલ માર્કેટ્સના હેડ વી. જયસંકરે કહ્યું કે, અત્યાર સુધીમાં એવી કંપનીઓ લિસ્ટ થઈ છે જે કોવિડ-૧૯માં ટકી શકી છે અથવા પોતાના ક્ષેત્રમાં અગ્રણી છે, જોકે, આવતા ૩-૬ મહિનામાં આઈપીઓ બજાર ઉપર ટેક, હેલ્થકેર અને કન્ઝયુમર તથા હોસ્પિટાલિટી અને બીએફએસઆઈ જેવા ક્ષેત્રનું પ્રભુત્વ રહેશે.

સરકાર હસ્તક રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રૂ. ૭૦૦ કરોડનું ભંડોળ મેળવવા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં બજારમાં આવવાની ધારણા છે. આ આઈપીઓ સંપૂર્ણ ઓફર ફોર સેલ છે જેમાં સરકાર ૮.૬૬ કરોડ ઈકિવટી શેર્સ વેચશે. બેન્કર્સે કહ્યું કે રોકાણકારોના વલણને જોઈને કેટલીક કંપનીઓ જેમણે આઈપીઓ પાછા ઠેલ્યાં હતાં તે પણ બજારમાં આવવા તૈયાર થઈ છે. બર્ગર કિંગ ઈન્ડિયા ડિસેમ્બરના મધ્યમાં ફ્રેશ ઈશ્યુ દ્વારા રૂ. ૫૪૨ કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા રૂ. ૪૦૦ કરોડનું ભંડોળ મેળવવા આઈપીઓ લાવશે. એન્ટની વેસ્ટ હેન્ડાલિંગ સેલએ માર્ચમાં તેનો આઈપીઓ રદ્દ કર્યો હતો, તે પણ ડિસેમ્બરમાં બજારમાં આવવાની ધારણા છે.

(9:59 am IST)