મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

કોથળામાં લપેટીને ફેંકાયેલ નવજાતશિશૂ જીવતું નિકળ્યું

ઉત્તર પ્રદેશના મેરઠની કમનસીબ ઘટના : ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા ભેગા થયેલા લોકોએ બાળકને બચાવી હોસ્પિટલમાં દાખલ કર્યું

મેરઠ, તા. ૨૪ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ત્યજી દેવાયેલું નવજાત મળી આવ્યું છે. નવજાતને સિમેન્ટના ત્રણ ખાલી કોથળામાં લપેટીને ફેકી દેવાયું હતું. સ્થાનિક લોકોએ બાળકનો પોકાર સાંભળીને નવજાતને બચાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, નવજાતને એક ધાબળા અને ત્રણ કોથળાની અંદર લપેટવા છતાં તે જીવિત છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

મામલો મેરઠના પોલીસ સ્ટેશનના પરતાપુર વિસ્તારના શતાબ્દી નગર સેક્ટર -૪ નો છે. સોમવારે રાત્રે લોકોએ ઝાડીમાંથી બાળકનો પોકાર સાંભળ્યો હતો. થોડા સમય પછી ત્યાં લોકોનું ટોળું એકઠું થયું. બાદમાં બાળકનો અવાજ બંધ થઈ ગયો. લોકોએ જોયું તો ત્યાં કોથળો પડ્યો હતી. લોકોને શંકા થઈ કે બાળકનો અવાજ કોથળામાંથી જ આવી રહ્યો છે.

સ્થાનિકોએ ઝાડીમાંથી કોથળો કાઢીને તેની તપાસ કરી. તેની અંદર બીજી કોથળો બાંધેલો હતી. તેને ખોલ્યા પછી ત્રીજી કોથળો દેખાયો. ત્રીજા કોથળાની અંદર એક ધાબળો મૂક્યો હતો. જ્યારે લોકોએ ધાબળો ખોલ્યો તો તેની અંદર એક નવજાત મળી આવ્યું. તે જોઈને લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવજાતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ડોકટરોએ કહ્યું કે, નવજાત પ્રિ-મેચ્યોર છે અને તેની નાળ પણ કાપવામાં આવી નહોતી. નવજાતને જોતાં સ્પષ્ટપણે કહી શકાય છે કે, તેનો જન્મ થોડા સમય પહેલા જ થયો હતો. બાળકને ઝાડીમાં કોણે ફેંકી દીધું તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

(12:00 am IST)