મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

શમીને ટાર્ગેટ કરનારને સચિન તેંડૂલકર, સહેવાગ સહિતના તમામ મોટા ખેલાડીઓએ આપ્યો જવાબ

મોટા ક્રિકેટર્સ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શમીના સમર્થનમાં ટ્વીટ કર્યું

મુંબઈ :પાકિસ્તાન સાથે વર્લ્ડ કપની મેચમાં પ્રથમ હાર પછી સોશિયલ મીડિયા પર ટ્રોલ એક્ટિવ થઈ ગયા. પહેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને ભુવનેશ્વરને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ કેટલાક લોકો આ બાબતે બધી જ હદ્દો પાર કરી ગયા. ધર્મનો એંગલ આપતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટાર્ગેટ કરવામાં આવ્યો. પરંતુ હવે સચિન તેંડૂલકર, વીરેન્દ્ર સહેવાગ અને તમામ મોટા ખેલાડીઓએ આ લોકોને ફટકાર લગાવતા કરારા જવાબ આપ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ શમીનો સાથ આપ્યો છે.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે કોઈપણ ખેલાડી પર કોઈ વિવાદ ઉભો કરવાની કોશિશ થાય છે તો મોટા ખેલાડીઓ સપોર્ટમાં આવતા નથી. ખાસ કરીને જ્યારે ધર્મની બાબત હોય. પરંતુ મોહમ્મદ શમીના સમર્થનમાં બધા જ મોટા ખેલાડી આવી ગયા છે.

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડૂલકરે પણ શમીના સમર્થનમાં ટ્વિટ કર્યું. સાથે જ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો છે.

સચિને ટ્વિટમાં લખ્યું- “જ્યારે પણ આપણે ટીમ ઈન્ડિયાનું સમર્થન કરીએ છીએ, ત્યારે આપણે તે દરેક વ્યક્તિનું સન્માન કરીએ છીએ જે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય. મોહમ્મદ શમી એક પ્રતિબદ્ધ અને વર્લ્ડ ક્લાસ બોલર છે. તેનો પણ ખરાબ દિવસ હોઇ શકે છે, જેમ કે દરેક ખેલાડીનો હોય છે. હું શમી અને ટીમ ઈન્ડિયા સાથે ઉભો છું.”

સચિન તેંડૂલકરથી પહેલા તેમના સાથી ખેલાડી વીરેન્દ્ર સહેવાગે પણ શમીના સમર્થનમાં ટ્વિટ કર્યું. તેમને સાંપ્રદાયિક માનસિકતાના ટ્રોલ્સને જવાબ આપતા લખ્યું-

“મોહમ્મદ શમી વિરૂદ્ધ ઓનલાઈન એટેક ખુબ જ ચૌંકાવનાર છે અને હું તેમના સાથે ઉભો છું. તેઓ એક ચેમ્પિયન છે અને જે પણ ઈન્ડિયાની કેપ પહેને છે તેના દિલમાં ઈન્ડિયા આ ઓનલાઇન ભીડથી વધારે વસે છે. શમી તમારા સાથે ઉભો છું. આગામી મેચમાં બતાવો જલવો.”

મોટા ક્રિકેટર્સ ઉપરાંત વિપક્ષી નેતાઓએ પણ મોહમ્મદ શમીનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં કહ્યું કે-

“મોહમ્મદ શમી અમે તમારા સાથે છીએ. આ બધા લોકો નફરતથી ભરેલા છે કેમ કે તેમને કોઈએ પણ પ્રેમ આપ્યો નછી. તેમને માફ કરી દો.”

(11:02 pm IST)