મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

ભારતમાં ૪૨ ટકા કોર્ટમાં ટોઇલેટની સુવિધા નથીઃ મુખ્ય ન્યાયાધીશ

૨૬ ટકા કોર્ટમાં મહિલાઓ માટે અલગ શૌચાલયની સુવિધા નથી, જયારે ૧૬ ટકામાં તો શૌચાલય જ નથી અને ૪૬ ટકા કોર્ટમાં પીવાનાં શુદ્ઘ પાણીની સુવિધા પણ નથી

નવી દિલ્હી,તા. ૨૫: ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ કોર્ટ પરિસરોમાં માળખાકીય સુવિધાના અભાવ વિશે ધ્યાન દોર્યું હતું. શનિવારે દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ આશ્ચર્યજનક વિગતો જાહેર કરતા કહ્યું હતું કે દેશમાં ૨૦ ટકા જેટલા જયુડિશિયલ અધિકારીઓને બેસવા માટે યોગ્ય કોર્ટ-રૂમ નથી. દેશમાં કુલ ૨૪૨૮૦ મંજૂરીપ્રાપ્ત ન્યાયાધીશો છે, જયારે કોર્ટ હોલની સંખ્યા માત્ર ૨૦૧૪૩ છે. તેમાંય ૬૨૦ તો ભાડાં પર લેવામાં આવેલાં મકાનો છે. ૨૬ ટકા કોર્ટમાં મહિલાઓ માટે અલગ શૌચાલયની સુવિધા નથી, જયારે ૧૬ ટકામાં તો શૌચાલય જ નથી અને ૪૬ ટકા કોર્ટમાં પીવાનાં શુદ્ઘ પાણીની સુવિધા પણ નથી.

કોમ્પ્યુટર યુગમાં પણ દેશમાં માત્ર ૨૭ ટકા કોર્ટ રૂમમાં ન્યાયાધીશની ડાયસ પર વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર્સ છે. દેશમાં ૫૧ ટકા કોર્ટમાં લાઇબ્રેરી છે, ૩૨ ટકામાં અલાયદો રેકોર્ડ રૂમ અને માત્ર ૫ ટકા કોર્ટમાં પ્રાથમિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે.

દેશના સર્વોચ્ચ ન્યાયાધીશે કોર્ટમાં માળખાકીય સુવિધાઓને હંમેશાં અવગણવામાં આવી હોવાનું પણ કહ્યું હતું અને તે કારણે કોર્ટની પ્રક્રિયાઓની કાર્યક્ષમતા પર પણ અસર થતી હોવાનું જણાવ્યું હતું.

(10:26 am IST)