મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

મંત્રી ઈમરતી દેવીએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને લુચ્ચા-લફંગા, દારૂડિયા કહ્યા

એમપીમાં પેટા ચૂંટણી પ્રચારમાં અભદ્ર શબ્દોનો મારો : અગાઉ કોંગ્રેસના નેતાએ મંત્રી ઈમરતી દેવીને આઈટમ ગર્લ કહેતા વિવાદ ખૂબજ ચગતા કોંગ્રેસ છોભીલું પડ્યું હતું

નવી દિલ્હી, તા. ૨૪ : બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશમાં ચાલી રહેલ પેટાચૂંટણીની જંગમાં નિવેદનોની મર્યાદા સતત તૂટી રહી છે. જેમ જેમ વિધાનસભાની પેટાચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મધ્યપ્રદેશના રાજકારણમાં અભદ્ર ટિપ્પણીઓનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. કમલનાથના નિવેદનને આપત્તિજનક જણાવનાર મંત્રી ઈમરતી દેવીએ પણ હવે પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને ઈમરતી દેવીમાં આઈટમ વાળા નિવેદન પર વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને ત્યારબાદ વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી તરફથી આઈટમ કહ્યા બાદ ઈમરતી દેવીની સાથે-સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ કમલનાથ પર પોતાનો બળાપો નિકાળી ચૂક્યા છે.

પરંતુ શુક્રવારના રોજ શિવરાજ સરકારમાં મંત્રી અને ડબરા વિધાનસભાના ભાજપા ઉમેદવાર ઈમરતી દેવીએ એક જનસભાને સંબોધી હતી. તે દરમિયાન તેઓ રાજનૈતિક મર્યાદાને પાર કરતા કહ્યું કે કમલનાથ દારૂડિયા બની ગયા છે. જેવી રીતે એક દારૂડિયા સામેથી કોઈ મહિલા નિકળે તો દારૂડિયો મહિલા પર અભદ્ર ટિપ્પણી કરતો હોય છે કે, જુઓ શું આઈટમ જઈ રહી છે, કમલનાથ પણ આવા લુચ્ચા અને લફંગા બની ગયા છે.

(12:00 am IST)