મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

ત્રણેય યોજનાઓ શકિત-ભકિત અને સ્વાસ્થ્યનું પ્રતિકઃ નરેન્દ્રભાઇ ૩ વર્ષમાં ગુજરાતના તમામ ખેડુતોને દિવસે વિજળી મળશેઃ વિજયભાઇ

જુનાગઢ ગિરનાર રોપ-વે-કિશાન સૂર્યોદય યોજના અને અમદાવાદની યુએન મહેતા હોસ્પીટલનું લોકાર્પણ : બંન્ને યોજનાઓથી સોરઠમાં સૂવર્ણ સુર્યોદય : રોપ-વેમાં ગિરનાર પહોંચીને વિજયભાઇ સહિતે અંબાજી માતાજીના દર્શન કર્યા : લીયો રિસોર્ટનું ઉદ્ઘાટન

 

જુનાગઢઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે જુનાગઢ ખાતે ગીરનાર રોપ-વે, કિશાન સૂર્યોદય યોજના તથા અમદાવાદની યુએન મહેતા હોસ્પીટલનું આધુનીકરણ સહીત ૩ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહીતના ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૨૪: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનું તથાઅમદાવાદમાં આવેલ યુ એન મહેતા હોસ્પિટલનું આધુનિકરણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના આસ્થાના કેન્દ્રો 'ટુરીસ્ટ ડેસ્ટીનેશન' બને, ત્યાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે ખુબ જરૂરી છે. જુનાગઢના ગરવા ગિરનારમાં ગુરૂદતાત્રેય, અંબામા અને જૈન મંદિરો આવેલા છે. જયાં આજે વિશ્વ સ્તરીય રોપ-વેનો પ્રારંભ થતા અબાલ-વૃદ્ઘ સૌને કલાકોના બદલે મિનીટોમાં જ દર્શનનુ સદભાગ્ય પ્રાપ્ત થશે. ગિરનાર પર્વત શિખર ઉપર અદ્દભૂત શકિત અને શાંતિનો અનુભવ થાય છે. રોપ-વેના કારણે ઉત્સુકતા-એડવેન્ચર વધશે. સાથો સાથ શ્રધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. લોકોએ દ્યણા વર્ષોની રાહ જોયા બાદ રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઇ છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યુ હતુ કે, ટુરીસ્ટોની વધતી સંખ્યા સ્થાનિક આવક તો વધારે જ છે. સાથો સાથ અનેક લોકોને રોજગારી પણ આપે છે. સરદાર સાહેબનુ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ તેનું ઉદાહરણ છે. આ સ્ટેચ્યુ બન્યુ ત્યારથી લોકડાઉન સુધીમાં ૪૫ લાખ પર્યટકો તેની મુલાકાત લઇ ચુકયા છે. દ્વારકાનો શિવરાજપૂર બીચ પણ આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરી ચુકયો છે.

ગુજરાતમાં ટુરિસ્ટ ડેસ્ટીનેશન માટેની ખૂબ બધી શકયતાઓ રહેલી છે. પરંતુ આ માટે ટુરીસ્ટને આધુનિક સુવિધાઓ પણ આપવી પડશે. 'ઇઝી ઓફ ટ્રાવેલીંગ', 'ઇઝી ઓફ લીવીંગ'ની સગવડો ઉભી કરવી પડશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવમાં નોરતાના પવિત્ર પર્વની લોકોને શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યુ હતે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત માટે જોયેલા સપનાને સાકાર કરવાનો આજ અનોખુ પર્વ છે. આજે ગુજરાત વડાપ્રધાનશ્રીએ ચિંધેલા રસ્તે દિનપ્રતિદિન દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યુ છે. પછી તે ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ડસ્ટ્રી, મેડીકલ હોય કે પછી ટુરીઝમ કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે આપત્ત્િ।ને અવસરમાં ફેરવી વિકાસની યાત્રા લગાતાર આગળ વધારી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યુ હતુ કે, હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડામાંથી અંધારા ઉલેચ્યા હતા. ગુજરાતને ૨૪ કલાક વીજળી જયોતિગ્રામ યોજના થકી પુરી પાડવાનુ શરૂ કર્યુ હતુ. હવે કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પડાશે. જેથી રાત ઉજાગરો કરીને હવે ખેડૂતોને ખેતીકામ નહીં કરવા પડે. ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી પ્રાપ્ત થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

અમદાવાદ ખાતે રૂપિયા ૪૭૦ કરોડના ખર્ચે યુ એન મહેતા હોસ્પિટલ ને સુસજ્જ કરવામાં આવી છે.

જેનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને નાયબમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રાજયમાં વીજક્રાંતિની શરૂઆત થઇ ગઇ હતી. લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે શ્રી નરેન્દ્રભાઇએ જયોતિગ્રામ યોજના શરૂ કરી હતી. જેથી ઉદ્યોગો પણ ગામડામાં જવા માંડ્યા હતા. લોકોનું શહેરીકરણ-સ્થળાંતર ઓછુ થયું. ખેડૂતોને ઝડપથી વીજ કનેકશન મળે તે માટે સરકાર કટીબદ્ઘ બની છે. સરકાર એક વીજ કનેકશન માટે ખેડૂતને રૂ. ૧.૫૦ લાખની સબસીડી-સહાય આપી રહી છે. સરકાર ખેડૂતોના વીજળીના ભાવ પણ વધારતી નથી અને વધારાનો વીજભાર સરકાર ભોગવે છે. આ સરકાર ખેડૂતોની ચિંતા કરતી સરકાર છે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું સ્વપ્ન આજે સાકાર થયું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વેનું ખાતમુહૂર્ત કર્યુ હતું. રોપ-વે પ્રોજેકટના નિર્માણમાં અનેક અડચણો આવી હતી. પરંતુ પ્રધામનંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સંકલ્પના કારણે આજે રોપ-વેનું સ્વપ્ન સાકાર થયું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ છે. આવો માહોલ જૂનાગઢમાં નવાબી શાસનનો અંત આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે, હજુ સુધી જૂનાગઢમાં યાત્રાળુઓ આવતા હતા. હવે પ્રવાસીઓ આવશે. જૂનાગઢનો વિકાસ થશે. તેમણે પ્રવાસીઓના માધ્યમથી જૂનાગઢમાં ૨૦૦ કરોડ જેટલી આવક વધશે તેમ ઉમેર્યુ હતુ.

સાંસદશ્રી રાજેશ ચુડાસમાએ આનંદ સાથે જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનો પ્રોજેકટ શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓનું સપનું સાકાર થયુ છે. અશકત અને વૃદ્ઘ લોકો પણ હવે ગિરનારમાં દર્શનાર્થે જઇ શકશે. કિસાન સૂર્યોદય યોજના થકી અનેક ખેડૂતોને પણ દિવસે વીજળીનો લાભ પ્રાપ્ત થશે. આ બંને પ્રોજેકટ મંજૂર કરવા માટે રાજય અને કેન્દ્ર સરકારનો આભાર પણ શ્રી ચુડાસમાએ વ્યકત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના એમડી સ્વેતા ટીવેટીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજા કરમટા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, અધિક મુખ્યસચિવશ્રી ઉર્જા સુનયના તોમર, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા વાસમશેટી રવી તેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી, પીજીવીસીએલ, જેટકોના અધિકારીઓ, સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી પીજીવીસીએલના ચીફ એન્જીનીઅર જસ્મીન ગાંધીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતનાએ રોપ-વેમાં ગિરનાર પર્વત ઉપર જઇને અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ શ્રી ગિરીશભાઇ કોટેચાના લીયો રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

શકિત રૂપેણ માતાજીઓ ગુજરાતને નિરંતર આશીર્વાદ આપે છેઃ નરેન્દ્રભાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૪ : જુનાગઢ ખાતે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ત્રણ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવરાત્રી નિમિતે ગુજરાતમાં બિરાજમાન માતાજીઓના આશીર્વાદ ગુજરાતને સતત મળતા રહે તે માટે પ્રાર્થના કરી હતી.  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ઼ કે શકિત રૂપેણ માતાજીઓ ગુજરાતને નિરંતર આશીર્વાદ આપે છે. શ્રી અંબાજી માતાજી, પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજી, ચોટીલામાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજી, ઉમીયા માતાજી, કચ્છના માતાના મઢમાં બિરાજમાન શ્રી આશાપુરા માતાજી સતત આશીર્વાદ વરસાવતા રહે છે.

જયાં સુધી કોરોનાની દવા નહિ ત્યાં સુધી ઢીલાશ નહીઃ નરેન્દ્રભાઇની દિલની વાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૪ : જુનાગઢ ખાતે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ત્રણ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સંક્રમણ અંગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. લોકાર્પણ પ્રસંગે આખુ પ્રવચન હિન્દીમાં આપ્યા બાદ તેઓએ ગુજરાતીમાં લોકોને કોરોના મહામારીથી સાવચેત રહેવા જણાવ્યું હતુ઼.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતના લોકોને હું મારા દિલની વાત કહેવા માંગુ છું. કોરોના કાળમાં બે મીટરનું અંતર, માસ્ક પહેરવુ સહીતની બાબતોને સતત વળગી રહેજો. જયાં સુધી કોરોનાની દવા નહિં ત્યાં સુધી ઢીલાશ નહી તેમ શ્રી નરેન્દ્રભાઇએ જણાવ્યુ઼ હતું.

ર૦૦૭માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ ગિરનાર રોપ-વેનું ખાતમુર્હુત કર્યા બાદ આજે વડાપ્રધાન તરીકે લોકાર્પણ કર્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. ગીરનાર રોપ-વેનું આજે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પરંતુ ગીરનાર રોપવેની અનેક વિશેષતાઓ છે જે આગામી સમયમાં પ્રવાસીઓ  માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની શકે છે. ગીરનાર રોપ-વે એશિયાનો સૌથી લાંબો રોપ-વે છે એટલું જ નહીં એક જ કેબિનમાં ૮ યાત્રિક બેસી શકે તેવો આધુનિક ટેકનોલોજી સાથેનો સમગ્ર દેશમાં ગીરનાર રોપ-વે બનશે.

ર૦૦૭ ના વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ રોપ-વે શરૂ કરવાની યોજનાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું જે આજે ૧૩ વર્ષે પીએમ નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ ઉદઘાટીત થઇને યોજના સાકાર થઇ છે. જો કે સૌપ્રથમ ગુજરાત પ્રવાસન નિગમે ૧૯૮પ માં રોપ-વે શરૂ કરવાની દરખાસ્ત જુનાગઢ કલેકટર મારફતે કરી હતી. તે પછી અનેક અવરોધો-સંઘર્ષ અને કોર્ટ કેસ વચ્ચે છેવટે આ યોજના પુર્ણ થઇ છે.

રૂ. ૧૩૦ કરોડની ગીરનાર રોપ-વે યોજના સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. પપ૦૦ પગથીયા ચડીને માતા અંબાજીના દર્શન કરવા જતા યાત્રાળુએ હવે માત્ર આઠ મીનીટમાં રોપ-વે ના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે. રોપ-વે થકી જુનાગઢ, સાસણ, સતાધાર, તુલશીશ્યામ, સોમનાથ તેમજ દિવ સહિતના પ્રવાસન સ્થળોની ટુરીઝમ સર્કિટ બનશે. જૂનાગઢ ટુરીઝમનું હબ બનશે. આ બન્ને યોજનાના પ્રારંભથી સમગ્ર જૂનાગઢ ગીર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.

(12:00 am IST)