મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ : ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ આપશે સરકાર : પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ

કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સતત પ્રયાસરત : યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે સંગઠન અથવા કંપની બનાવવી પડશે.

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર ફરી એક વખત ખેડૂતો માટે એક યોજના લાવી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવું કૃષિ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. અને આ હેઠળ સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયા આપી રહી છે. સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

   દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે સંગઠન અથવા કંપની બનાવવી પડશે. આનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ ખૂબ સરળ બનશે.

   સરકાર સતત આવી યોજના રજૂ કરી રહી છે જેથી ખેડૂતોને તેનો સીધો લાભ મળે. આ યોજના માત્ર ખેડૂતોને સીધો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોએ કોઈ દલાલ કે શાહુકાર પાસે જવું નહીં પડે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તામાં ચૂકવવામાં આવશે. આ માટે વર્ષ 2024 સુધીમાં સરકાર દ્વારા 6885 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં સરકારે હજુ સુધી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી નથી. જલદી જ નોંધણી પ્રક્રિયા શરૂ થશે. તમે પણ અરજી કરી શકો છો. સરકારના જણાવ્યા અનુસાર આ માટેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

(10:56 pm IST)