મુખ્ય સમાચાર
News of Tuesday, 25th September 2018

નોબેલ શાંતિ પુરસ્‍કાર માટે હવે નરેન્‍દ્રભાઇ મોદીનું નામઃ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ચર્ચામાં

ચેન્નઈઃ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ચર્ચામાં હતું. ટ્રમ્પના સમર્થકોએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે વાતચીત કરાવવાની પહેલને લઇને ટ્રમ્પની મહત્ત્વની ભૂમિકાને ધ્યાને લઇ શાંતિ પુરસ્કાર આપવા માટે તરફેણ કરી છે. ભારતમાંથી પણ એક પગલું આગળ વધારતા એક ભાજપ નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આ માટે અંકિત કર્યું છે. તમિલિસાઇ સૌદરાજને પીએમ મોદીનું નામ શાંતિ પુરસ્કાર માટે આગળ કર્યું છે અને તેની તરફેણ કરી છે.

તમિલિસાઇ તામિલનાડું ભાજપના અધ્યક્ષ છે. આ ઉપરાંત પીએમ મોદીનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત માટે પણ નોમિનેટ કર્યું હતું. આ ઝુંબેશમાં તમિલિસાઇએ અન્ય લોકોનું પણ સમર્થન માંગ્યું છે. તમિલિસાઇએ આયુષ્માન ભારત યોજના ગરીબો, સારવાર વંચિત વર્ગના લાખો લોકો માટે જીવનમાં એક મોટું પરિવર્તન લાવનારી યોજના તરીકે ગણાવી છે. જેનો શ્રેય વડા પ્રધાન મોદીની લાંબાગાળાની વિચારાધારાને આપ્યો છે. દેશમાં ગરીબીનું એક કારણ આરોગ્યલક્ષી સેવાઓ પર થતો ખર્ચ છે એવું તમિલિસાઇએ ઉમેર્યું હતું.

માત્ર ભારતમાંથી જ નહી પણ વિદેશોમાં વસતા ભારતીયો પાસે પણ નોબેલ પ્રાઇઝ માટે મોદીની તરફેણ કરવા માટે સમર્થન માગ્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બરમાં શાંતિ પુરસ્કાર માટેના નામાંકનની પ્રક્રિયા શરૂ થાય છે. નોબેલ પુરસ્કાર 2019 માટે નોમિનેશન માટેની અંતિમ તા. 31 જાન્યુઆરી 2019 છે. યુનિવર્સિટીના પ્રોફેસર, સાંસદ સભ્યો અને અન્ય લોકો વડા પ્રધાન મોદી માટે તરફેણ કરી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય અન્ય પણ લોકોના નામ આ યાદીમાં આ વખતે ચર્ચામાં છે. આ વર્ષે કુલ 331 અરજીઓ નોબેલ પ્રાઇઝ માટે મળી છે. જે પૈકી 216 વ્યક્તિગત અને 115 સંસ્થાકિય કેટેગરીમાંથી છે. સૌથી વધુ અરજીઓ વર્ષ 2016માં આવી હતી. ત્યાર બાદ આ વર્ષે સૌથી વધારે જુદી જુદી કેટેગરીઓની અરજી મળી છે. આગામી મહિને નોબેલ પ્રાઇઝ ઓથોરિટીની મિટિંગ યોજાશે જેમાં મળેલી અરજીની નવી યાદી તૈયાર કરાશે ત્યાર બાદ તેમાંથી પસંદગી કરવામાં આવશે.

(4:52 pm IST)