મુખ્ય સમાચાર
News of Tuesday, 25th September 2018

કલંકિતોને ચૂંટણી લડતા રોકવાનો સુપ્રિમ કોર્ટનો ઇન્કાર

દાગી નેતાઓ અંગે સુપ્રિમ કોર્ટે આપ્યો ફેંસલો : ચાર્જશીટના આધારે લોકપ્રતિનિધિઓ પર ચૂંટણી લડવા માટે રોક લગાવી ન શકાય દોષિત જાહેર થાય તો જ રોક : દાગી નેતાઓ ચૂંટણી લડી શકશે : જો કે આવા લોકોને સંસદમાં પ્રવેશતા રોકવા સંસદે કાયદો ઘડવો જોઇએ : રાજકીય પક્ષોએ ઉમેદવારોની માહિતી વેબસાઇટ ઉપર પોસ્ટ કરવી પડશે : ઉમેદવારે પોતાનો રેકોર્ડ પ્રિન્ટ - ઇલેકટ્રોનિક મીડિયામાં આપવો પડશે : કેટલાક નેતાઓ પર આપરાધિક કેસ . ૧૫૧૮ નેતાઓ પર કેસ નોંધાયેલા છે, તેમાં ૫૦થી વધુ સાંસદ . ૩૫ નેતાઓ પર બળાત્કાર, હત્યા અને અપહરણ જેવા ગંભીર આરોપ . મહારાષ્ટ્રના ૬૫, બિહારના ૬૨, પશ્ચિમ બંગાળના ૫૨ નેતાઓ પર કેસ

નવી દિલ્હી તા. ૨૫ : ભ્રષ્ટ નેતાઓને ચુંટણી લડવા અટકાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રિમ કોર્ટે રાજનીતિનું અપરાધિકરણ ખતરનાક હોવાનું ગણાવતા પારદર્શિતા જરૂરી હોવા પર ભાર મુકયો હતો. અને ભ્રષ્ટ નેતાઓ મામલે કાયદો બનાવવાની જવાબદારી સંસદ પર ઢોળી હતી.

સુપ્રીમ કોર્ટે જો કે નેતાઓને રાહત આપતા કહ્યું હતું કે, આરોપ ઘડાય ત્યાં સુધી અમે તેઓને ચુંટણી લડતા અટકાવી શકીએ નહીં. વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ ઇકોનોમિક ટેરર કહી શકાય. કોર્ટે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારે સોગંદનામામાં ગુનાહિત કેસોની વિગતો આપવી પડશે. જ્યારે રાજકીય પક્ષે પણ વેબસાઇટ ઉપર વિગતો આપવી પડશે.

ભ્રષ્ટ નેતાઓ અને ગંભીર ગુનાહિત મામલાના આરોપીઓના ચુંટણી લડવા પર રોક લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દિધો છે. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સજા થવાના મામલે આરોપી નક્કી થયા બાદ ચુંટણી લડવાને અયોગ્ય ગણાવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અયોગ્યતાની જોગવાઇ કોર્ટ જોડી શકે નહીં. આ કામ સંસદનું છે.

સુપ્રીમ કોર્ટે માત્ર ચાર્જશીટના આધાર પર ભ્રષ્ટ નેતાઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી છે. તેનો મતલબ એ છે કે ભ્રષ્ટ નેતાઓ હજુ પણ ચૂંટણી લડી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે સંસદને કહ્યું કે આવા લોકોને સંસદમાં પ્રવેશથી રોકવા માટે કાયદો બનાવો જોઇએ.

એકબાજુ જુઓ તો આ બહુચર્ચિત કેસમાં સુપ્રીમ કોર્ટે લોકતંત્રમાં સંસદનો કાયદો બનાવાની સ્વતંત્રતાને સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ વિધાનસભાના દાયરામાં જઇને ભ્રષ્ટ નેતાઓને ચૂંટણીથી પ્રતિબંધિત કરી લક્ષ્મણ રેખા બાંધી શકાય નહીં. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉમેદવાપ પોતાના શપથપત્રમાં બોલ્ડ અક્ષરોમાં પોતાના ગુનાનો ઇતિહાસ લખે.

ચુકાદો સંભળાવતા સમયે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાએ કહ્યું કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય આર્થિક આતંક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજકીય પક્ષોને પોતાની વેબસાઇટ પર તમામ ઉમેદવારોના ગુનાના ઇતિહાસની માહિતી આપવી પડશે. એવું એટલા માટે જેથી કરીને મતદાતાઓને તેમના ઉમેદવાર અંગે માહિતી હોય.

સુનવણી દરમ્યાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર સરકારની તરફથી હાજર રહેતા કહ્યું હતું કે આ કાયદો બનાવાનું સંસદના અધિકાર ક્ષેત્રમાં છે અને સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવી જોઇએ નહીં. વેણુગોપાલે કહ્યું હતું કે કોર્ટની મંશા પ્રશંસનીય છે પરંતુ પ્રશ્ન એ છે કે શું કોર્ટ આ કરી શકે છે? મારા હિસાબે નહીં. તેમણે કહ્યું હતું કે સંવિધાન કહે છે કે કોઇપણ ત્યાં સુધી નિર્દોષ છે જયાં સુધી તેઓ દોષિત જાહેર ના થયા હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શું ચૂંટણી પંચ આવી વ્યવસ્થા કરી શકે છે કે જે લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડના છે તેમના અંગે ડીટેલ સાર્વજનિક કરવામાં આવે. વેણુગોપાલે અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે જયાં સુધી સજા પહેલાં જ ચૂંટણી લડવા પર પ્રતિબંધનો પ્રશ્ન છે તો કોઇપણ વ્યકિત ત્યાં સુધી નિર્દોષ છે જયાં સુધી કોર્ટ તેને સજા આપતું નથી અને સંવિધાનની જોગવાઇ આ જ કહે છે.

(3:39 pm IST)