મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

નવી ઉપાધી : કોરોના વાયરસનો વધુ એક મ્યૂટેશન :વૈજ્ઞાનિકોને મળ્યો ડેલ્ટા-3 વેરિએન્ટ

વેક્સિન લઈ ચુકેલા અથવા ફરીથી સંક્રમિત થઈ ચુકેલા લોકોને પણ ફરી સંક્રમણની લપેટમાં લઈ શકે

નવી દિલ્હી :કોરોના વાયરસના વધુ એક નવા મ્યુટેશને વૈજ્ઞાનિકોને વૈશ્વિક સ્તરે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી અમેરિકામાં કોરોનાના નવા કેસ મળ્યા છે અને તે બધામાં વાયરસનો ડેલ્ટા-3 વેરિએન્ટ મળ્યો છે જે ડેલ્ટાની તુલનાએ ન ફક્ત સૌથી વધુ ફેલાવાની ક્ષમતા રાખે છે પણ સાથે જ વેક્સિન લઈ ચુકેલા અથવા તો ફરીથી સંક્રમિત થઈ ચુકેલા લોકોને પણ ફરી સંક્રમણની લપેટમાં લઈ શકે છે.

ભારતમાં હજુ સુધી ડેલ્ટા-3નો કોઈ કેસ નથી આવ્યો પરંતુ જીનોમ સિક્વન્સીંગનું મોનિટરીંગ કરી રહેલી ઈન્સાકોગ સમિતિએ એલર્ટ જાહેર કર્યું છે. જાણવા મળ્યા મુજબ ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ડબલ મ્યુટેશન મળ્યો હતો જેમાંથી ડેલ્ટા અને કપ્પા વેરિએન્ટ બહાર આવ્યા હતા. ત્યાર બાદ ડેલ્ટા વેરિએન્ટમાંથી ડેલ્ટા પ્લસ અને એવાઈ-2 નામના વધુ 2 વેરિએન્ટ મળ્યા પરંતુ તેના વધુ કેસ સામે નહોતા આવ્યા. હવે ડેલ્ટા-3 નામનો વધુ એક વેરિએન્ટ સામે આવ્યો છે જે અમેરિકાના મોટા ભાગના રાજ્યમાં સામે આવ્યો છે. જોકે ભારતમાં હજુ સુધી તેનો કોઈ કેસ નથી નોંધાયો.

દિલ્હી ખાતે આવેલી આઈજીઆઈબીના વૈજ્ઞાનિક ડૉ. વિનોદ સ્કારિયાએ જણાવ્યું કે, વાયરસમાં મ્યુટેશન થયા બાદ એવાઈ.3 વેરિએન્ટ મળ્યો છે જેને ડેલ્ટા-3 નામ આપવામાં આવ્યું છે. તેને લઈ ભારતમાં ગંભીરપણે મોનિટરીંગ શરૂ થઈ ગયું છે. સામાન્ય લોકો માટે કહીએ તો હાલનો સમય સંપૂર્ણપણે સતર્ક રહેવાનો છે. વાયરસમાં મ્યુટેશન થઈ શકે છે તે પહેલેથી નક્કી હતું કારણ કે, છેલ્લા 1.5 વર્ષમાં ભારતમાં જ આપણે 230 મ્યુટેશન જોઈ ચુક્યા છીએ

(5:41 pm IST)