મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

દ્રોપદી રાષ્ટ્રપતિ તો પાંડવ-કૌરવ કોણ?:રામ ગોપાલ વર્મા

રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પર ટિપ્પણ કરી ડાયરેકટર ફસાયા : આ ટ્વિટના કારણે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ : આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી

હૈદરાબાદ, તા.૨૫ : ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા હંમેશા વિવાદિત નિવેદનો દ્વારા ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેમણે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અંગે વિવાદાસ્પદ ટ્વિટ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ટ્વિટના કારણે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ભાજપના નેતાઓએ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે.

'રંગીલા' અને 'સત્યા' જેવી શાનદાર ફિલ્મો આપી ચુકેલા રામ ગોપાલ વર્માએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને એનાથી પણ વધુ જરૂરી એ છે કે, કૌરવ કોણ છે?' સામાન્ય લોકો દ્વારા પણ આ ટ્વિટ અંગે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભાજપના નેતાઓ ગુડૂર રેડ્ડી તથા ટી. નંદેશ્વર ગૌડે આ મામલે રામ ગોપાલ વર્મા વિરૂદ્ધ હૈદરાબાદના એબિડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મૂ અંગે અપમાનજનક ટિપ્પણી કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર બી. પ્રસાદ રાવના કહેવા પ્રમાણે તેમણે આ ફરિયાદને કાયદાકીય સલાહ માટે મોકલી આપી છે તથા કાયદાકીય સલાહ મળ્યા બાદ વર્મા સામે એસસી, એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવશે.

રામ ગોપાલ વર્માએ વિવાદ બાદ આ અંગે સ્પષ્ટતા કરતી ટ્વિટમાં લખ્યું હતું કે, 'આ પૂરી ઈમાનદારીથી વિડંબના (મુશ્કેલી) તરીકે કહેવામાં આવ્યું છે અને તેનો અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી. મહાભારતમાં દ્રૌપદી મારૃં પસંદગીનું પાત્ર છે પરંતુ આ નામ ખૂબ જ રેર (દુર્લભ) છે, મને તેના સાથે સંકળાયેલા પાત્રો યાદ આવી ગયા અને મેં તે વ્યક્ત કર્યું. કોઈની લાગણી દુભાવવાનો કોઈ જ ઈરાદો નથી.' અન્ય એક ટ્વિટમાં વર્માએ નેતાઓ એકબીજાને નીચા દેખાડે છે તે અંગે ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'જ્યારે સૌ નેતાઓ એકબીજાની પીઠમાં છરો ઘૂસાડવામાં અને નીચે પાડવામાં લાગેલા છે ત્યારે આશ્ચર્ય થાય છે કે, તેમના પાસે ક્યારે સમય હશે અને ક્યારે તેમનામાં એવી એનર્જી હશે કે તેઓ જનતાની સમસ્યા જોઈ શકશે જે તેમનું પ્રાઈમરી કામ છે.'

(7:49 pm IST)