મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

લગ્નના એક હપ્‍તા બાદ બંગડી ખરીદવા પતિ સાથે બજાર ગઇ દુલ્‍હન : પછી પ્રેમી સાથે થઇ ગઇ ફરાર

પટણા,તા. ૨૫: બિહારના મુંગેરમાં લગ્નના ફકત સાત દિવસ બાદ પત્‍ની પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હોવાનો બનાવ બન્‍યો છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં સ્‍પષ્ટ દેખાઇ રહ્યું છે કે મહિલા એક યુવકનો હાથ પકડીને દોડી રહી છે.
મહિલાનું નામ મોની કુમારી છે. મોની અને વિવેકના લગ્ન ૧૪મી જૂનના રોજ થયા હતા. લગ્ન પછી તે પિયર ચાલી ગઇ હતી. ૨૧મી જૂને તે સાસરિયામાં પરત ફરી હતી. બીજા દિવસે ૨૨મી જૂને તે તેના પતિ સાથે બજારમાંથી બંગડીઓ ખરીદવી હોવાનું કહીને બહાર નીકળી. બંને જણ કોતવાલીના દીનદયાલ ચોક પર બંગડીઓ ખરીદી રહ્યા હતા. એ સમયે પત્‍નીનો પ્રેમી ત્‍યાં આવતા તે તેની સાથે ભાગી ગઇ. પતિએ તેને રોકવાનો પ્રયત્‍ન કર્યો તો તેણે કહ્યું કે મારો પીછો નહીં કર. હવે હું આની સાથે જ રહીશ.
આ અંગે વિવેકની માતાએ કહ્યું હતું કે મારા પતિનું મૃત્‍યુ થઇ ચૂક્‍યુ છે. મારો એક જ દીકરો છે. ધામધૂમથી મેં મારા દીકરાના લગ્ન કર્યા હતા, પણ વહૂએ દગો દીધો. જો તેને પ્રેમી સાથે જ જવુ હતુ તો પછી મારા દીકરા સાથે લગ્ન કેમ કર્યા.
કોતવાલી પોલીસ સ્‍ટેશનના પોલીસના જણાવ્‍યા અનુસાર છ વર્ષથી બંને વચ્‍ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમિકાએ જ ૨૨મી જૂને ફોન કરીને પ્રેમીને બોલાવ્‍યો હતો અને તેને આવીને લઇ જવા માટે કહ્યું હતું. એ પછી પ્રેમી બજાર આવ્‍યો અને ત્‍યાંથી તેને લઇને બેગૂસરાય ચાલ્‍યો ગયો.

 

(10:35 am IST)