મુખ્ય સમાચાર
News of Friday, 24th June 2022

મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારનો દિવસ મહત્વપૂર્ણ:ફડણવીશ સાથી પક્ષોની કરશે મુલાકાત:શિવસેના સાંજે કરશે શક્તિ પ્રદર્શન

ફડણવીસ સવારે 11 વાગ્યે રામદાસ આઠવલેને મળશે;આદિત્ય ઠાકરે સાંજે 6.30 વાગ્યે શિવસૈનિકોને સંબોધિત કરશે: માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને NCP નેતાઓ વચ્ચે બેઠક:શરદ પવાર, અજિત પવાર, સંજય રાઉત, પ્રફુલ પટેલ સહિત અનેક નેતાઓ હાજર

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અટકવાનું નામ નથી લઈ રહી. એકનાથ શિંદેએ શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોને પોતાના જૂથમાં સામેલ કરી લીધા છે. 55 સભ્યોની શિવસેનાના લગભગ બે તૃતીયાંશ ધારાસભ્યો બળવાખોર એકનાથ શિંદેના જૂથમાં ચાલ્યા ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે શનિવારનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવતીકાલે દિવસભર રાજકીય હલચલ ચાલું રહેશે. શિવસેના પોતાના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે પોતાના ગઢમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે. આદિત્ય ઠાકરે આવતીકાલે મુંબઈમાં શિવસૈનિકોની રેલીને સંબોધિત કરશે. આદિત્ય ઠાકરે શિવસૈનિકોનો ઉત્સાહ વધારી શકશે કે કેમ તે જોવું રહ્યું.

બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાથી પક્ષોના નેતાઓને મળશે. ફડણવીસ આવતીકાલે સવારે 11 વાગ્યે રામદાસ આઠવલેને મળશે. આ પછી આદિત્ય ઠાકરે આવતીકાલે સાંજે 6.30 વાગ્યે શિવસૈનિકોને સંબોધિત કરશે. જણાવી દઈએ કે આજે દિવસભર મહા વિકાસ અઘાડીમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને NCP નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર, સંજય રાઉત, પ્રફુલ પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં તાજેતરની ઘટનાઓ અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી.

શિવસેનાએ કાલે બપોરે 1 વાગ્યે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારનો દિવસ ઘણો મહત્વનો રહેશે. જણાવી દઈએ કે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે ગુવાહાટીની એક હોટલમાં 40થી વધુ ધારાસભ્યો સાથે હાજર છે. મોટી સંખ્યામાં ધારાસભ્યો તૂટવાને કારણે ઉદ્ધવ ઠાકરેની સામે સરકાર બચાવવા સંકટ ઊભું થયું છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની સંખ્યા 288 છે. શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના નિધનની સાથે જ સભ્યોની સંખ્યા 287 થઈ ગઈ છે.

બહુમતી માટે જરૂરી આંકડો 144 છે. MVA પાસે 169 ધારાસભ્યો છે. જ્યારે શિવસેના પાસે 55, NCP પાસે 53 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. ભાજપ પાસે ધારાસભ્યોની સંખ્યા 106 છે. NDA પાસે 13 અપક્ષ ધારાસભ્યો સહિત 119 ધારાસભ્યો છે. જ્યારે બહુમત માટે 144નો આંકડો ઘણો મહત્વનો છે. એકનાથ શિંદેના જૂથમાં શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે, આવી સ્થિતિમાં શિવસેનાએ આગામી નગરપાલિકા ચૂંટણીઓ અને ખાસ કરીને BMCની ચૂંટણી પહેલા પોતાના ગઢની સાથે મૂળ બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તમામ શિવસૈનિકોને માતોશ્રી હોલમાં યોજાનારી રેલીમાં હાજર રહેવા જણાવ્યું છે.

(1:04 am IST)