મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

કેજરીવાલે ૪ ગણો ઓકસીજન માંગતા બીજે અછત થઇ

સુપ્રિમ કોર્ટની ઓડિટ ટીમના રીપોર્ટથી ભાજપ - આપ આમને સામને : શરૂ થઇ 'શ્વાસ'ની રાજનીતિ : દિલ્હીને બીજી લહેરમાં ૩૦૦ મેટ્રીક ટન ઓકસીજનની જરૂર હતી ત્યારે માંગ્યો હતો ૧૨૦૦ મેટ્રિક ટનનો પુરવઠો : દિલ્હીને કારણે ૧૨ રાજ્યોની સપ્લાયને અસર થઇ : રિપોર્ટ બાદ નિવેદનોના બોમ્બ ફુટયા

નવી દિલ્હી તા. ૨૫ : કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઓકસીજન અંગે ઉભો થયેલો વિવાદ હવે બીજા રૂપે સામે આવી રહ્યો છે. સુપ્રિમ કોર્ટની એક પેનલે તેમના અંતરિમ રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂરીયાતથી વધુ ૪ ગણા ઓકસીજનની માંગ કરી તેનાથી ૧૨ રાજ્યોની સપ્લાય પર અસર પડી હતી.

ઓકસીજન સંકટ અંગે આપ અને બીજેપીએ એકવાર ફરી વિવાદ સર્જયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત એક પેનલની રીપોર્ટના આધારે બનાવીને બીજેપી દ્વારા લગાવામાં આવેલા આરોપો પર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ જવાબ આપ્યો.

સિસોદિયાએ કહ્યું કે, બીજેપીના નેતા જે રીપોર્ટનો દાવો કરીને અરવિંદ કેજરીવાલને ઘેરી રહ્યા છે એવો કોઇ રીપોર્ટ છે જ નહિ. સિસોદિયાએ દાવો કર્યો કે બીજેપી આ મામલે ખોટું બોલી રહી છે. સુપ્રીમ કોર્ટે એક ઓકસીજનની કમિટિ બનાવી હતી. અમે અનેક સભ્યો સાથે વાત કરી છે. દરેકે એ જ કહ્યું છે કે તેઓએ કોઇ રીપોર્ટ અપ્રુવ કર્યો જ નથી. વધુમાં ઉમેર્યું કે, કમિટિના સભ્યોએ રીપોર્ટ જ આપ્યા નથી તો આ રીપોર્ટ કયો છે. બીજેપી આ રીપોર્ટ લાવીને બતાવે જેને સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલી કમિટિએ અપ્રૂવ કર્યો છે. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. આ પ્રકારનું ષડયંત્ર કરવું જોઇએ નહિ.

સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં જ્યારે ઓકસીજન સંકટ હતું ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રની હતી. કારણ કે કેન્દ્રએ જ ઓકસીજન સપ્લાયની જવાબદારી લીધી હતી. આ કથિત રીપોર્ટ બીજેપીની ઓફિસમાં બને છે અને ખોટો આરોપ લગાવામાં આવી રહ્યો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરે ત્રાહિમામ વરસાવ્યો હતો. દેશભરમાં ઓકિસજન અને દવાઓની તંગી જોવા મળી હતી. ઓકિસજનના અભાવના કારણે અનેક લોકોના મોત થયા હતા. દિલ્હીમાં પણ ઓકિસજનની તંગીના કારણે મોતનો આંકડો વધ્યો હતો અને કેજરીવાલે ઓકિસજનની તંગીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો હવે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઓકિસજનને લઇને ઉભો થયેલો વિવાદ બીજુ રૂપ ધારણ કરી ચુકયો છે. સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના વચગાળાના રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂરિયાતથી ૪ ગણો વધારે ઓકિસજનની માંગ કરી હતી. આનાથી ૧૨ રાજયોના સપ્લાય પર અસર પડી.

દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેરના સમયે કેન્દ્રથી ૧,૧૪૦ મેટ્રિક ટન ઓકિસજનની ડિમાન્ડ કરી હતી. રિપોર્ટ  પ્રમાણે દિલ્હીની જરૂરિયાતથી આ ૪ ઘણું વધારે હતું. દિલ્હીમાં એ સમયે જેટલા ઓકિસજન બેડ હતા તેની સરખામણીએ દિલ્હીને ૨૮૯ મેટ્રિક ટન ઓકિસજનની જ જરૂરિયાત હતી. પેનલનો રિપોર્ટ સામે આવ્યા બાદ BJPએ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

રિપોર્ટ પ્રમાણે સામાન્ય રીતે દિલ્હીમાં ૨૮૪થી લઇને ૩૭૨ મેટ્રિક ટન ઓકિસજનની જરૂરિયાત હતી, પરંતુ સપ્લાયની ડિમાન્ડ કરવાના કારણે બીજા રાજયો પર અસર પડી. પેનલ દિલ્હીની ૪ હોસ્પિટલોના મેનેજમેન્ટ સાથે પૂછપરછ કરી રહી છે. આ હોસ્પિટલોમાં બેડ પ્રમાણે વધારે ઓકિસજનનો ઉપયોગ થયો. આમાં સિંઘલ હોસ્પિટલ, અરૂણા આસિફ અલી હોસ્પિટલ, ESIC મોડલ હોસ્પિટલ અને લિફેરે હોસ્પિટલ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આ હોસ્પિટલોએ ખોટો ડેટા આપ્યો અને દિલ્હીમાં ઓકિસજનની જરૂરિયાતને વધારી-ચઢાવીને બતાવી.

(3:07 pm IST)