મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

Windows-11 લોન્ચ : બદલી ગઇ ડિઝાઇન અને સ્ટાર્ટ મેન્યુ : નવી અનેક ખુબીઓ છે

૬ વર્ષ બાદ માઇક્રોસોફટે લોન્ચ કર્યું વિન્ડોઝ-૧૧ : લાંબા સમયથી રાહ જોવાતી હતી

નવી દિલ્હી તા. ૨૫ : માઇક્રોસોફટે ગુરૂવારે વીન્ડોઝના નવા વર્ઝન વીન્ડોઝ-૧૧ની જાહેરાત કરી છે. આ વર્ઝન વીન્ડોઝ-૧૦ના લોન્ચીંગના ૬ વર્ષ પછી આવ્યું છે. વીન્ડોઝ-૧૦ જુલાઇ ૨૦૧૫માં લોન્ચ થયું હતું. આ વર્ઝનનું ફોકસ નવા યુઝર ઇન્ટરફેસ, નવા વીન્ડોઝ સ્ટોર અને પરફોર્મન્સના સુધારાઓ પર છે. વીન્ડોઝ-૧૧માં સંપૂર્ણપણે નવી ડીઝાઇન લેંગ્વેજ છે જેની માંગણી ગ્રાહકો કરી રહ્યા હતા. માઇક્રોસોફટના સીઇઓ સત્ય નડેલાએ કહ્યું કે, આજે વીન્ડોઝના ઇતિહાસમાં આ એક માઇલસ્ટોન છે. તેમણે કહ્યું કે, આ નવા જનરેશનની શરૂઆત છે.

વીન્ડોઝ-૧૧માં સ્ટાર્ટ બટન અને ટાસ્ક બાર ડાબી બાજુના બદલે ડીસ્પ્લેની સૌથી નીચે છે. યુઝર ઇન્ટરફેસ વીન્ડોઝ ૧૦*ની યાદ અપાવે છે. તેમાં રાઉન્ડેડ કોર્નરની સાથે વીજેટસ છે, જેમાં કેલેન્ડર, હવામાન જેવી વસ્તુઓ સામેલ છે. તેમાં સારી સીસ્ટમ ટ્રે, નવા સ્પલીટ નોટીફીકેશન અને કવીક એકશન યુઆઇ પણ છે.

માઇક્રોસોફટે કહ્યું કે, તે વીન્ડોઝ સ્ટોરને પણ રીડીઝાઇન કરી રહી છે. નવા બ્રાન્ડ લૂક ઉપરાંત કંપનીએ જણાવ્યું કે, વીન્ડોઝ-૧૧ એમેઝોનના એપ સ્ટોર દ્વારા એન્ડ્રોઇડ એપ્સને સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે કરોડો લોકપ્રિય એપ્સ જે વીન્ડોઝ પર ઉપલબ્ધ નહોતી, તે સૌથી લોકપ્રિય ડેસ્કટોપ ઓપરેટીંગ સિસ્ટમ પર ડાઉનલોડ થઇ શકશે.

કંપનીએ એમ પણ કહ્યું કે તે પોતાના xbox કોન્સોલ્સના કેટલાક ફીચર્સને વીન્ડોઝ-૧૧માં લાવી રહી છે. તેમાં ઓટોમેટીક એચડીઆર સામેલ છે જે ગેમમાં લાઇટીંગ અને કલરને એડજસ્ટ કરે છે. ટેબ્લેટ માટે માઇક્રોસોફટે કહ્યું કે તેણે ટચ કરવાથી થનારા પુરા અનુભવમાં સુધારો કર્યો છે. કંપ્ની પોતાના વીડીયો કોન્ફરન્સીંગ ચેટ પ્લેટફોર્મ માઇક્રોસોફટ ટીમ્સને સીધું વીન્ડોઝમાં ઇન્ટીગ્રેટ કરી રહી છે. એટલે હવે ટીમ્સ ટાસ્ક બારમાં સીધું ઇન્ટીગ્રેટેડ હશે. જેનાથી વીન્ડોઝ-૧૧ના યુઝર્સોને મિત્રો, પરિવારને વીડીયો કોલ કરવામાં મદદ મળશે. માઇક્રોસોફટે કહ્યું છે કે વીન્ડોઝ-૧૧ ગ્રાહકોને આ વર્ષે જ મળવાનું શરૂ થઇ જશે.

(10:39 am IST)