મુખ્ય સમાચાર
News of Thursday, 25th June 2020

માંડ માંડ બચી મણીપુરમાં ભાજપની સરકારઃ નારાજ ધારાસભ્યોને દિલ્હી બોલાવી અમિત શાહે મનાવી લીધા

અમિત શાહ સાથે મુલાકાત થઈ, બધુ થાળે પડી ગયું: ૯ રાજીનામાંથી ભૂકંપ આવ્યો હતો

નવી દિલ્હી, તા.૨૫: મણિપુરમાં અચાનક આવી પડેલુ રાજકીય સંકટ ધીમે ધીમે ટળતું હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજયની એન બીરેન સિંહના નેતૃત્વવાળી સરકારને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી બરાબરનું જોર લગાવી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે નેશનલ પીપુલ્સ પાર્ટીએ બીરેન સિંહ સરકારને સમર્થન આપવાનું વચન આપ્યું છે.

નેશનલ પીપુલ્સ પાર્ટીના ૪ ધારાસભ્યોએ રાજયમાં ભાજપ સરકારને આપેલું સમર્થન પાછુ ખેંચી લઈ રાજીનામા આપી દીધા હતા. એક બાજૂથી સમર્થન પાછુ ખેંચી લીધું કેમ કે, રાજયમાં પાર્ટીના આટલા જ ધારાસભ્યો હતો.

બીજી બાજૂ ભાજપ સરકાર માટે સંકટમોચન બનેલા હેમંત બિસ્વા સરમા સરકારમાંથી રાજીનામા આપી દેનારા પીપુલ્સ પાર્ટીના ૪ મંત્રીઓને લઈ દિલ્હી પહોંચ્યા હતા. આજે બુધવારે મેઘાલયના મુખ્યમંત્રી કરનાડ સંગમા અને મણિપુરના નાયબમુખ્યમંત્રી વાઈ જોય કુમાર સિંહની આગેવાનીમાં નેશનલ પીપુલ્સ પાર્ટીના પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

હેમંત બિસ્વ સરમાએ મુલાકાત બાદ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, નેશનલ પીપુલ્સ પાર્ટીના પ્રતિનિધિમંડળ આજે અમિત શાહ સાથે મળ્યું અને ભાજપ તથા નેશનલ પીપુલ્સ પાર્ટી બંને પક્ષ સાથે મળી રાજયમાં વિકાસના કામ કરવા માટે રાજી થઈ ગઈ છે. બાદમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

રાજયમાં ભાજપ સરકાર ત્યારે સંકટમાં આવી જયારે નાયબ મુખ્યમંત્રી વાઈ જોય કુમાર સિંહ ભાજપના ૩ બળવાખઓર, તૃણમૂલ કોંગ્રેસના ૧ અને એક અપક્ષ ઉપરાંત એનપીપીના કોટામાંથી ૪ રાજીનામા પડયા હતા.

રાજય વિધાનસભામાં એનપીપીના ફકત ૪ ધારાસભ્યો છે. એટલા માટે પાર્ટીએ સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધુંય આ બાજૂ કોંગ્રેસ આ ૯ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ લીધા અને સેકયુલર પ્રોગેસિવ ફ્રન્ટ નામનું એક ગઠબંધન બનાવી દીધું હતું.

રાજયની ૬૦ ધારાસભ્યો વાળી વિધાનસભામાં હાલમાં ફકત સંખ્યા ૫૯ જ છે. ભાજપ પાસે ૨૩ ધારાસભ્યોનું સમર્થન છે. જેમાંથી ૧૮ ભાજપના, નગા પીપુલ્સ ફ્રન્ટ ૪, અને એક એલજેપીના ધારાસભ્યનું સમર્થન છે. જયારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, એસપીએફની પાસે ૨૯ ધારાસભ્યોનું સમર્થન છે. જેમાંથી કોંગ્રેસના ૨૦, એનપીપીના ૪, ૩ ભાજપના બળવાખોર, ટીએમસી ૧ અને એક અપક્ષ ધારાસભ્ય. પણ હવે દિલ્હીમાં હાઈકમાન્ડના હાથમાં બાજી જતાં સરકાર પર આવી પડેલું સંકટ ટળી ગયું છે. અમિત શાહે બધી બાજી સંભાળી લીધી છે.

(10:17 am IST)