મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

માલિયાસણ પાસેથી ૮.૩૫ લાખનો ૨૨૮ પેટી દારૂ ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની ઝડપાયા

પોલીસથી બચવા બોગસ બિલ્ટી બનાવી આગળ પાવડરીની થેલીઓ મુકી પાછળ દારૂની પેટીઓ છુપાવી'તી : કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇની બાતમી પરથી એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયા અને પીએસઆઇ ડી.એચ. ધાંધલ્યાની ટીમનો દરોડોઃ 'માલ' મંગાવનારા રાજકોટના ચતુર પલાળીયાને શોધતી પોલીસ

ઝડપાયેલા દારૂ ભરેલા ટ્રક, મુદ્દામાલ અને આરોપી સાથે એસીપી જયદિપસિંહ સરવૈયા, પીએસઆઇ ડી.એચ. ધાંધલ્યા તથા ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: દારૂબંધીનો કડક અમલ કરાવવા પોલીસ સતત સક્રિય છે. આમ છતાં શહેરમાં નાના-મોટા બૂટલેગરો છાનેખુણે કે પછી મીઠી નજર હેઠળ બાટલીઓ, પેટીઓની હેરાફેરી કરી લેતાં હોય છે. પીવાના શોખીનોમાં ચૂંટણી વખતથી માલની અછત બાબતે દેકારો મચી ગયો હતો. હવે ફરીથી બાટલીઓ મળવા માંડી છે, પણ બૂટલેગરો મન ફાવે તેવા ભાવ લઇ રહ્યા છે. પોલીસ દારૂની બદ્દીને ડામવા કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોડી રાત્રે એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની ટીમે ચોક્કસ બાતમી પરથી કુવાડવા રોડ માલિયાસણ નજીકથી રૂ. ૮,૩૫,૨૦૦નો ૨૨૮ પેટી (૨૭૮૪ નંગ) દારૂ ભરેલો ટ્રક આરજે૦૭જીએ-૮૫૯૧ પકડી લઇ ડ્રાઇવર રાજસ્થાની શખ્સ આશુસિંહ હનુમાનસિંહ ભાટી (રહે. નાથુસર તા. નોખા જી. બીકાનેર રાજસ્થાન) તથા કલીનર આશુસિંહ કરણસિંહ રાઠોડ(ઉ.૨૭-રહે. કુ઼ભારસ તા. નોખા જી. બીકાનેર)ની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક, દારૂ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૮,૩૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને ટીમના પીએસઆઇ ડી.એચ. ધાંધલ્યા, ક્રિપાલસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, ભુપતભાઇ, જગદીશભાઇ કિહોર, સુધીરસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇને બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર અને કલીનરના કહેવા મુજબ રાજસ્થાન બિકાનેરના ભુપલીયા ગામના કિશનસિંહ શેખાવતે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. રાજકોટ પહોંચ્યા પછી આ માલ ચતુર શીવાભાઇ પરાલીયાને આપવાનો હતો. જો કે ચતુર માલની ડિલીવરી લેવા આવે એ પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. ચતુર અગાઉ પણ દારૂમાં ઝડપાઇ ગયાનું કહેવાય છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(12:13 pm IST)