મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

વડાપ્રધાનના ભાષણો પર ચૂંટણી કમિશનરની અસંમતિ નોટ જાહેર કરવામાં ખતરો છે

નવી દિલ્હી, તા.૨પઃ ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંદ્યનના મામલામાં પોતાના કમિશનરની અસંમતિ નોટને જાહેર કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. માહિતીના અધિકાર (RTI) કાયદા અંતર્ગત તેની જાણકારી માગવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, એવી માહિતી ન આપવાની છૂટ મળેલી છે, જેનાથી કોઈ વ્યકિતનો જીવ કે શારીરિક સુરક્ષા ખતરામાં પડી શકે છે.

હકીકતમાં, લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી પર ભાષણો દ્વારા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંદ્યન કરવાનો આરોપ લગાવતી ફરિયાદ પર કરાયેલા નિર્ણયો પર અશોક લવાસાએ અસંમતિ વ્યકત કરી હતી. પંચે પીએમ મોદીને બધામાં કલીન ચિટ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ સભ્યોના પૂર્ણ પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા અને અન્ય બે કમિશનર અશોક લાવાસા અને સુશીલ ચંદ્ર સામેલ છે.

પુનાના આરટીઆઈ કાર્યકર્તા વિહાર ધુર્વેએ લવાસાની અસંમતિ નોટની માંગ કરી હતી, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. આ મામલો પીએમ મોદીની ૧ એપ્રિલે વર્ધા, ૯ એપ્રિલે લાતૂર અને ૨૧ એપ્રિલે પાટણ અને બાડમેર તથા ૨૫ એપ્રિલે વારાણસીમાં થયેલી સભાઓમાં અપાયેલા ભાષણો અંગેનો હતો. ચૂંટણી પંચે આરટીઆઈ એકટના સેકશન ૮(૧) (જી)નો હવાલો આપતા કહ્યું કે, એવી માહિતીઓને જાહેર ન કરી શકાય જેનાથી કોઈ વ્યકિતનો જીવ કે શારીરિક સુરક્ષા કે સૂચનાના સોર્સની ઓળખ કે કાયદા લો ઈન્ફોર્સમેન્ટ એજન્સી કે સુરક્ષા ઉદ્દેશ્યો માટે અપાયેલી મદદ ખતરામાં પડી શકે છે.

ધુર્વેએ અપનાવાયેલી પ્રક્રિયા અને ભાષણોને લઈને પંચના નિર્ણય વિશે પણ જાણકારી માંગી હતી. આ જાણકારીને પણ સેકશન ૮(૧) (જી) અંતર્ગત આપવાનો ઈનકાર કરી દેવાયો.

લવાસાએ પંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને તેમના ભાષણો પર સતત કલીન ચિટ આપવા સામે અસંમતિ વ્યકત કરી હતી. જણાવાઈ રહ્યું છે કે, ચૂંટણી પંચના એવા ૧૧ નિર્ણયો પર લાવાસાએ કથિત રીતે અસંમતિ વ્યકત કરી હતી. બધામાં વડાપ્રધાન મોદી અને શાહને કલીન ચિટ આપી દેવાઈ હતી.

ચૂંટણી પંચના આદેશોમાં અસંમતિ નોટને નોંધવાની લવાસાની માંગ પણ ન માનવામાં આવી તો તેમણે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંદ્યનના મામલાઓથી પોતાને અલગ કરી લીધા હતા. તે પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે, પેનલના કોઈ સભ્યની અસંમતિને જાહેર કરી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું હતું કે, આવા મામલામાં અસંમતિ કે અલ્પમતના વિચારોને રેકોર્ડમાં રાખવામાં આવશે, પરંતુ તેને નિર્ણયોમાં સામેલ નહીં કરાય.

(10:06 am IST)