મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

દાઉદ પાકિસ્‍તાનમાં છે : ભાઇ - બહેનને દર મહિને ૧૦ લાખ મોકલે છે : સાક્ષીએ ઇડી સમક્ષ વટાણા વેર્યા

વોન્‍ટેડ કરાંચીમાં છુપાયો છે

મુંબઈ તા. ૨૫ : એનસીપી મંત્રી નવાબ મલિક વિરુદ્ધ મની લોન્‍ડરિંગ કેસમાં એક સાક્ષીએ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને જણાવ્‍યું છે કે ઈકબાલ કાસકરે તેને કહ્યું હતું કે તેનો મોટો ભાઈ, ભાગેડુ આતંકવાદી આરોપી દાઉદ ઈબ્રાહિમ, જે પાકિસ્‍તાનમાં રહે છે, તે તેના ભાઈ-બહેનોને દર માસે ૧૦ લાખ રૂપિયા મોકલે છે.

‘કાસકરે મને કહ્યું કે દાઉદ તેના માણસો મારફતે પૈસા મોકલશે. તેણે કહ્યું કે તેને પણ દર મહિને ૧૦ લાખ રૂપિયા મળશે. બે પ્રસંગોએ, તેણે મને રોકડ રકમ બતાવી અને કહ્યું કે તેને દાઉદભાઈ પાસેથી પૈસા મળ્‍યા છે,' ખાલિદ ઉસ્‍માન શેખે EDને જણાવ્‍યું.

ખાલિદનો ભાઈ, જે કાસકરનો બાળપણનો મિત્ર હતો, ગેંગ વોરમાં માર્યો ગયો. તે દાઉદની બહેન હસીના પારકરના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ સલીમ પટેલને પણ ઓળખતો હતો. ખાલિદે EDને  જણાવ્‍યું હતું કે એક વખત પટેલે તેને કહ્યું હતું કે તે હસીના સાથે મળીને દાઉદના નામનો ઉપયોગ કરીને પૈસા પડાવી રહ્યા છે અને સંપત્તિ પર અતિક્રમણ કરી રહ્યા છે. EDએ આક્ષેપ કર્યો હતો કે પટેલે હસીના સાથે મળીને મુંબઈના કુર્લા વિસ્‍તારમાં આવેલ ગોવાલા કમ્‍પાઉન્‍ડને પણ ગેરકાયદેસર રીતે પચાવી પાડ્‍યું હતું જે બાદમાં તેઓએ મલિકના પરિવારને વેચી દીધું હતું.

કાસકર અને હસીનાના પુત્ર અલીશાહ (૨૯) સહિત કેટલાક સાક્ષીઓએ પણ દાઉદ પાકિસ્‍તાનમાં રહેતો હોવાની વાત કરી છે. ‘તેની પત્‍નીનું નામ મહેજબીન છે. તેને પાંચ બાળકો છે. એક પુત્રનું નામ મોઈન. તેની બધી દીકરીઓ પરણેલી છે. તેમના પુત્રએ પણ લગ્ન કર્યા હતા,' કાસકરે જણાવ્‍યું હતું, જે ખંડણી અને મની-લોન્‍ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે. કાસકરે ઉમેર્યું હતું કે અન્‍ય ભાઈ અનીસ, ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્‍ફોટોનો આરોપી, પણ પાકિસ્‍તાનમાં રહે છે.

અલીશાહે EDને  કહ્યું કે ‘મેં સૂત્રો અને પરિવારના સભ્‍યો પાસેથી સાંભળ્‍યું છે કે દાઉદ કરાચીમાં છે... પ્રસંગોપાત જેમ કે ઈદ, દિવાળી અને અન્‍ય તહેવારોના પ્રસંગોએ મહેજબીન... મારી પત્‍ની અને મારી બહેનો સાથે સંપર્કમાં રહેતી.'

(10:07 am IST)