મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

ડોમેસ્ટિક ફલાઈટસ સેવા આજથી શરૂ પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા, દિલ્હીથી ૮૨ ફલાઈટ રદ થઈઃ મુસાફરો રઝળ્યા

એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ રદ થવાની કોઈ જાણકારી ન અપાતા પેસેન્જર્સ તોતિંગ ભાડા ચૂકવી એરપોર્ટ પહોંચ્યા હતા

નવી દિલ્હી, તા.૨૫: દેશમાં બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ આંશિકરીતે શરૂ કરવામાં આવી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી આજે ૨૪૩ ફ્લાઈટનું સંચાલન થવા અંગેનું શીડ્યુલ હતું. જે પૈકી ૧૧૮ અરાઈવલ તેમજ ૧૨૫ ડીપાર્ચર ફ્લાઈટ્સ હતી. દેશભરમાં તમામ મોટા એરપોર્ટ પરથી આજથી ફ્લાઈટ્સ પુનઃ શરૂ થઈ રહી છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો દ્યાટ થયો છે. પ્રથમ દિવસે જ દિલ્હીમાં જ ૮૨ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અગાઉ ગત સપ્તાહે જ તમામ એરપોર્ટ માટે સ્ટાન્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ જાહેર કર્યા હતા. ફ્લાઈટ રદ થવાની એરલાઈન્સે પેસેન્જર્સે કોઈ માહિતી આપી ના હોવાથી લોકો તોતિંગ ભાડાં ચૂકવીને એરપોર્ટ પહોંચ્યા હતા અને ફ્લાઈટ રદ થઈ હોવાનું જાણીને અંતે નિરાશ થયા હતા.

પ્રથમ દિવસે જ દિલ્હીમાં ૨૪૩ ફ્લાઈટ પૈકી ૮૨ ફ્લાઈટ રદ થવાથી હવાઈ મુસાફરો રોષે ભરાયા છે. પ્રવાસીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ફ્લાઈટ કેન્સલ થવા અંગે કોઈ એસએમએસ પણ આવ્યો નહતો અને તેઓ બે કલાક પહેલા લાંબા અંતરેથી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમની ફ્લાઈટ રદ થઈ છે. કોરોના મહામારી વચ્ચે લોકો અકારણ બહાર નિકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ સરકાર આપી રહી છે અને બીજીતરફ ફ્લાઈટ સેવા શરૂ કર્યા બાદ પ્રથમ દિવસે જ અણધડ વહીવટ જોવા મળતા લોકોમાં ભારોભાર ગુસ્સો જોવા મળ્યો હતો.

(4:00 pm IST)