મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

વાઘ સાથે ફોટા પડાવનાર પુતિન ઘરમાં પુરાયા

રશિયામાં બેકાબુ બનેલ કોરોનાએ ખૂંખાર રાષ્ટ્રપતિની છબી કરી ધૂંધળી

મોસ્કો તા. ૨૫ : દુનિયાનો સર્વોચ્ચ સ્ટ્રોંગમેન પરદા પાછળ જતો રહ્યો છે. વાઘો સાથે ફોટા પડાવનાર અને ઘોડેસવારી કરનાર વ્યકિત માટે આ બહુ અઘરૃં છે. જ્યારે બીજા વિશ્વયુધ્ધમાં સાથે લડનાર મિત્ર સેનાના બાકીના કોરોનાની ઝપટમાં હતા ત્યારે તે પોતાની રેડ આર્મી સાથે યુધ્ધની ૭૫મી વર્ષગાંઠ ઉજવવાની તૈયારીઓમાં લાગેલ હતા. પણ તેની ભવ્ય યોજનાઓ પર એક એવા દુશ્મને પાણી ફેરવી દીધું. જે તે જોઇ નથી શકતા કે નથી તેની સામે લડવા માટે તેણે કંઇ કર્યું.

ઇતિહાસકાર માઇકલ બુલાઇઝ કહે છે કે કોરોના વાયરસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અજેયતાની આભાને ફીક્કી કરી દીધી છે. સુરક્ષાના કારણોસર ૬૭ વર્ષના પુતિન રાજધાની મોસ્કોની બહારના પોતાના નિવાસસ્થાને પુરાઇ ગયા છે.

 મજબૂત નેતૃત્વ સાથે વાયરસને નિયંત્રણમાં રાખવાના તેમના દાવા અને અમેરિકાની ૫ીડા પર તેમના આનંદ છતાં કોરોનાએ રશિયાને જે ઝડપે ઝપટમાં લીધો છે તે ત્યાંના લોકોને બરાબર ખબર છે. હવે ત્યાં ચર્ચાઓ થઇ રહી છે કે કોરોનાને કાબુમાં લેવા માટે પુતિને લીધેલા પગલા અપૂરતા હોવાનું સાબિત થઇ રહ્યું છે.(૨૧.૨૪)

મૃતકોની સંખ્યા પર શંકા

રશિયામાં કોરોનાથી ૩૫૦૦ લોકોના મોત થયા છે જેમાંથી ૨૦૦૦થી વધારે મોસ્કોમાં જ થયા છે. જો કે આ સરકારી આંકડો છે. આટલા ઓછા મૃત્યુદર પર બધાને શંકા છે. સાડા ત્રણ લાખથી વધારે સંક્રમિતોમાં ફકત સાડાત્રણ હજાર મોત પર રશિયનોને પોતાને જ વિશ્વાસ નથી આવતો. મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિન અનુસાર તેમનું માનવું છે કે રાજધાની મોસ્કોની લગભગ બે ટકા વસ્તી સંક્રમિત છે એટલે કે લગભગ અઢી લાખ લોકો

સવાલ ઉઠાવનારા ડોકટરોના શંકાસ્પદ મોત

છેલ્લા બે અઠવાડિયામાં રશિયામાં રહસ્યમય રીતે હોસ્પિટલની બારીઓમાંથી ત્રણ ડોકટરો પડી ચૂકયા છે. તેમાંથી બેના મોત થયા અને એક હોસ્પિટલમાં છે. આ ત્રણમાંથી એકે ૨૨ એપ્રિલે સોશ્યલ મીડિયા પર સુરક્ષા સાધનોની અછતની ફરિયાદ કરી હતી. બીજી એક ડોકટર એલેના પર પોતાની કલીનીક કોરોના દર્દીઓ માટે રીઝર્વ રાખવાનું દબાણ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવે છે કે આ ડોકટરોના શંકાસ્પદ મોત બાબતે સરકાર તરફથી કોઇ તપાસ પણ નથી કરવામાં આવી.

(3:58 pm IST)