મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

કોવિડ-૧૯એ બદલ્યું પોતાનું રૂપ

ભારતમાં આ મહિને મૃત્યુ પામનારા ૫૦% લોકોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી

સંક્રમણનાં વધારે ગંભીર કેસ ૨૦થી ૪૪ની ઉંમરવાળાઓનાં છે

નવી દિલ્હી, તા.૨૫: કોરોના વાયરસ પર ધ વોશિંગ્ટન પોસ્ટનો તાજેતરનો રિપોર્ટ ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે, ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશ કોવિડ-૧૯નાં હોટસ્પોટ બનતા જઇ રહ્યા છે અને અહીં મહામારી હવે અહીંનાં યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ જગ્યાઓ પર વાયરસ પોતાનું વિનાશકારી રૂપ બતાવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા અને હોસ્પિટલમાં ભરતી થનારાઓમાં પણ યુવાઓની સંખ્યા વધી રહી છે.

આ મહામારીનાં કેન્દ્રમાં રહેલી જગ્યાઓ પર પણ યુવાનોમાં સંક્રમણનો આ દર જોવા મળ્યો નહોતો જે બ્રાઝિલ અને ભારતમાં જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રાઝિલમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરનાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ૫ ટકા છે જે ઇટાલી અને સ્પેનમાં નોંધાયેલા મોતની તુલનામાં ૧૦ ગણી વધારે છે. મેકિસકોમાં લગભગ એક ચતુર્થાંશ મૃતકોની ઉંમર ૨૫થી ૪૯ વર્ષની વચ્ચે છે. તો ભારત મહામારીનું આગામી હોટસ્પોટ બનવા તરફ છે. અહીં આ મહિને કોરોનાથી મરનારાઓ લગભગ ૫૦ ટકા લોકો ૬૦ વર્ષથી ઓછી ઉંમરનાં છે.

રિપોર્ટમાં વિકાસશીલ દેશોમાં થઈ રહેલા યુવાનોનાં મોતની પાછળ ખરાબ સ્વાસ્થ્ય સેવા, અત્યંત ગરીબી અને અસમાનતાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં રિપોર્ટમાં ભારતનાં મુંબઈ શહેરમાં કોરોના વાયરસનાં વધતા કેસને વસ્તી ગીચતા સાથે જોડવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયાનાં સૌથી મોટા સ્લમ ધારાવીમાં હોસ્પિટલોની ખરાબ સ્થિતિ અને નબળી પોલિસી જેવી સ્થિતિ છે અને અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અસંભવ છે.

ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ મહામારીની શરૂઆતનાં અઠવાડિયામાં જાહેરાત કરી હતી કે આનો સૌથી વધારે ખતરો વૃદ્ઘોને છે, પરંતુ ગત કેટલાક મહિનાની રિપોર્ટ અનુસાર સંક્રમણનાં વધારે ગંભીર કેસ ૨૦થી ૪૪ની ઉંમરવાળાઓનાં છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આફ્રિકન અને અમેરિકન કોરોના વાયરસનો સૌથી વધારે શિકાર બન્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ બીમારી લોકોમાં એક સરખી રીતે નથી ફેલાતી.

(3:58 pm IST)