મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

ના લોકડાઉન, બિઝનેસ-રેસ્ટોરાં ખુલ્લા, છતાં કોરોના સામે જીતી રહ્યું છે જાપાન

જાપાનમાં પહેલેથી જ માસ્ક પહેરવાનું કલ્ચર છે અને મેદસ્વિતાનો દર ઘટતા પણ ઘણો ફાયદો થયો

ટોકિયો તા. રપઃ ન લોકડાઉન, ન અવરજવર પર સખત પ્રતિબંધો, રેસ્ટોરાં અને સલુન પણ ખુલ્લા રહ્યા, મોટી સંખ્યામાં કોરોનાના ટેસ્ટ પણ ન થયા છતાં જાપાન કોરોનાને રોકવામાં સફળ રહ્યું છે. આજથી જાપાનમાં ઇમર્જન્સી સંપુર્ણ રીતે હટી શકે છે. વિકસિત દેશોમાં કોરોનાથી હજારો મૃત્યુ થયા પણ, જાપાનમાં ફકત ૮૦૮ લોકોનાં જ મૃત્યુ થયા છે. ૧૬.પ હજાર લોકો સંક્રમિત છે. જાપાનમાં અમેરિકાના સીડીસી જેવી કોઇ સંસ્થા પણ નથી. તેમ છતાં જાપાન કોરોનાને હરાવવામાં સફળ રહ્યું છે. જાપાનમાં આરોગ્યકર્મીઓની સક્રિયતા અને લોકોની જાગૃતિથી કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. વેસેડા યુનિવર્સિટીના પ્રોફેસર મિકિહિતો તનાકા કહે છે કે, માત્ર ઓછા મૃત્યુનાં આંકડા જોઇને તમે દાવો કરી શકો છો કે, જાપાન સફળ રહ્યું છે. સ્કૂલોને જલ્દી બંધ કરવી, માસ્ક પહેરવાની વર્ષોજૂની સંસ્કૃતિ, મેદસ્વિતાનો ઘટેલો દર પણ તેના કારણો હોઇ શકે છે.

જાપાની ભાષા બોલવામાં અન્ય ભાષાઓની સરખામણીએ ઓછા ડ્રોપલેટ્સ નીકળે છે. તેના કારણે ઓછં સંક્રમણ ફેલાયું છે. એકસપર્ટ્સના જણાવ્યા મુજબ, અન્ય દેશો દર્દીઓની જાણકારી માટે હાઇટેક એપનો ઉપયોગ કરી રહ્યા છે. જાપાને એમ પણ ન કર્યું. કુલ વસ્તીના માત્ર ૦.ર ટકા લોકોના જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જાપાનમાં પ૦ હજારથી વધુ આરોગ્યકર્મીઓ છે, જેમને ર૦૧૮માં ઇન્ફલુએન્જા અને ટીબી માટે વિશેષ તરીકે શિષણ અપાયું હતું. જાન્યુઆરીમાં પહેલો કેસ સામે આવતા જ આ વિભાગને સક્રિય કરવામાં આવ્યો હતો. તેમણે કોન્ટેકટ ટ્રેસિંગમાં ખૂબ મહત્વની ભુમિકા ભજવી હતી. જાપાનના લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ કોરોના સામેના જંગમાં સૌથી મુખ્ય કડી સાબિત થઇ છે. નિષ્ણાતોનું માનવું છે કે, કોરોનાનો સૌથી નબળો સ્ટ્રેન જાપાનમાં પહોંચ્યો હતો. આ કારણે પણ ઓછું નુકસાન થયું છે.

(3:54 pm IST)