મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

લો કર લો બાત

હવે બજારમાં આવી ગયા કોરોના ખાખરા-ધુપ-કેક અને થૂંકદાની

ગુજરાતીઓએ આફતમાં પણ વેપાર શોધી લીધો

નવી દિલ્હી, તા.૨૫: કોરોનાને કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે, ત્યારે ગુજરાતીઓએ આ આફતમાં પણ વેપાર શોધી લીધો છે. કોરોના સ્પેશિયલ ખાખરા હોય કે પછી ઈમ્યુનિટી કેક, ખાવાની વસ્તુઓ સિવાય કોરોના સામે રક્ષણ આપતો ધૂપ પણ ગુજરાતીઓએ બનાવી લીધો છે. આટલું ઓછું હોય તેમ કોરોનાને કારણે પાન-મસાલા ખાઈને થૂંકવા પર દંડથી બચવા રાજકોટની એક કંપનીએ તો ખાસ થૂંકદાની પણ બનાવી દીધી છે, જેને ગમે ત્યાં લઈને ફરી શકાય છે.

 

આ થૂંકદાની બનાવનારા ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૨૦ રુપિયાનો આ ડિસ્પોઝિબલ કપ એકથી વધારે વાર યુઝ કરી શકાય છે, તેમાં થૂંકવા પર પણ વાસ નહીં આવે, અને તેનો ઉપયોગ કરનારાને જાહેરમાં થૂંકવાની નોબત જ નહીં આવે.

કોરોનામાં વેપારની તક શોધનારા બીજા એક વેપારી છે સુરતના યોગેશ પટેલ. તેમમે કોરોના સ્પેશિયલ ખાખરા બનાવ્યા છે. તેમના ઈમ્યુનિટી બુસ્ટિંગ ખાખરા સોશિયલ મીડિયા પર એવા વાયરલ થયા છે કે રાતોરાત તેની ડિમાન્ડ જોરદાર વધી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અલગ-અલગ ફ્લેવરના ખાખરા બનાવતા રહે છે. આ વખતે તેમણે રોગપ્રતિકારક શકિત વધે તેવા કેલા-મેથી ફ્લેવર ખાખરા બનાવ્યા છે.

આ ખાખરા ઘઉંનો લોટ, મેથીનો પાવડર, તાજા કોથમીર, તુલસી, ફુદીના અને મીઠા લીમડાના પાન, લીંબુનો રસ, આદુ, લીલું મરચું, હળદર, ખાવાનું તેલ અને આયોડાઈઝડ મીઠાંથી બનાવવામાં આવ્યા છે. તેના બનાવવા પાછળનો હેતુ રોગપ્રતિકારક શકિત વધારવાનો છે. તેના સર્ટિફિકેશનની પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારબાદ તેનું વેચાણ શરુ કરવામાં આવશે.

કોરોનાથી બચવા માટે હળદર પણ ઉપયોગી હોવાનું કહેવાય છે. જેને ધ્યાનમાં લઈ અમદાવાદમાં કેકશોપ ચલાવતા ગુજંન પરમારે ટર્મરિક કેક બનાવી છે. તેમનું કહેવું છે કે, સવારના નાસ્તામાં આ કેક ચા કે દૂધ સાથે ખાઈ શકાય છે. આ કેકને સૂંઠ, હળદરવાળું દૂધ, કેળાં, કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, ડ્રાય ફ્રુટ્સ અને બેકરીના સ્ટાન્ડર્ડ વેનિલા બેટર સાથે બનાવાઈ છે.

રાજકોટમાં ૨૦ વર્ષથી સર્જન તરીકે પ્રેકિટસ કરતાં ડો. નિલેશ નિમાવતે કોરોના ધૂપ બનાવ્યો છે. તેમનું કહેવું છે કે, બે ડઝન જેટલી ઔષધિઓ અને આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને આ ધૂપ બનાવાયો છે. સામાન્ય ધૂપની જેમ તેને પણ સળગતા છાણાં પર છાંટી શકાય છે. તેમાંથી ન માત્ર સુંદર સુગંધ આવે છે, પરંતુ શ્વસનતંત્રની ક્ષમતા પણ સુધરે છે. જોકે, તેમણે આ ધૂપનું વેપારી ધોરણે વેચાણ હજુ સુધી શરુ નથી કર્યું.

(10:22 am IST)