મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ

મહારાષ્ટ્રઃ એક જ દિવસમાં ૩૦૪૧ નવા કેસઃ કુલ કેસ ૫૦,૦૦૦ ઉપર

મહારાષ્ટ્ર પ્રશાસનની બેદરકારીઃ કોરોના દર્દીની ડેડ બોડી અન્ય દર્દીઓ વચ્ચે કલાકો સુધી પડી રહી

મુંબઇ,તા.૨૫: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજય મહારાષ્ટ્રમાં રવિવારે વિતેલા દિવસોથી સૌથી વધુ ૩૦૪૧ નવા કેસ સામે આવતા કેન્દ્ર અને ઠાકરે સરકારની ચિંતા વધી છે. નવા કેસો સાથે મહારાષ્ટ્રના કુલ સંક્રમણ કેસોની સંખ્યા ૫૦ હજારને પાર પહોંચી ગઇ છે. રવિવારે કોરોના સંક્રમણથી ૫૮ અન્ય લોકોએ દમ તોડ્યો હતો.

મહારાષ્ટ્ર સ્વાસ્થ વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ કોરોનાથી પીડિત કુલ દર્દીઓની સંખ્યા હવે ૫૦,૨૩૧ થઇ છે. જેમાંથી ૩૩૯૮૮ સક્રિય કેસ છે. રાજયમાં કુલ ૧૧૯૬ લોકો કોરોના સંક્રમણથી દમ તોડી ચૂકયા છે.

જોકે ચોંકાવનારી બાબત એ છે કે ભારતમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા હોવા છતા અહીંના સ્વાસ્થ પ્રશાસન દ્વારા બેદરકારીના નમૂના સામે આવતા રહ્યા છે. તાજેતરમાં મુંબઇની રાજાવાડી હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર દર્દીનો મૃતદેહ કલાકો સુધી પડી રહ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ડેડ બોડી પ્લાસ્ટિકમાં લપેટીને રાખવામાં આવી છે, જેનાથી આગળના જ બેડ પર મહિલા દર્દીઓ સારવાર લઇ રહી છે. આ પહેલા પણ મુંબઇ સ્થિત સાયન હોસ્પિટલમાં કોરોના દર્દીની ડેડ બોડી અન્ય દર્દીઓ વચ્ચે મૂકી રાખવાનો કિસ્સો બહાર આવતા ભારે હોબાળો મચ્યો હતો.

(10:21 am IST)