મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

ડાબેરીઓના અસ્તિત્વ સામે સંકટ છે : પડકારરૂપ સ્થિતિ

તમિળનાડુમાં સ્થિતિ સુધારવા માટેની તક : તમિળનાડુમાં ડાબેરીઓને મોટા અંતરથી બે બેઠકો મળી

ચેન્નાઈ, તા. ૨૫ :  લોકસભા ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટીને મોટો ફટકો પડી ગયો છે. તેમના અસ્તિત્વ સામે હવે ખતરો ઉભો થઇ ગયો છે. હવે ડાબેરીઓના એક માત્ર ગઢ તરીકે કેરળ છે જ્યાં તેમની સરકાર રહેલી છે. ડાબેરીઓ માટે રાહતના સંકેત પડોશી રાજ્ય તમિળનાડુમાંથી પણ મળ્યા છે. છેલ્લી ચૂંટણીમાં આ રાજ્યોમાં કોઈ સીટ મળી ન હતી પરંતુ આ વખતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ને મોટા અંતરથી બે-બે સીટો મળી છે. તમિળનાડુમાં ડાબેરીઓ માટે આ સમર્થન એકાએક વધ્યું નથી. ડીએમકેની સાથે મળીને બિનભાજપ મોરચા બનાવવાના કારણે ફાયદો થયો છે. સીપીએમ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એમએ બેબીએ કહ્યું છે કે, તમિળનાડુમાં પાર્ટીની સફળતાથી તેઓ હેરાન નથી. તમિળનાડુ એક પ્રોગ્રેસીવ રાજ્ય છે.

રાજ્યના ઇતિહાસમાં જીવા જેવા કોમ્યુનિસ્ટ નેતાઓ રહેલા છે. તમિળનાડુમાં સીપીએમ નેતા રામકૃષ્ણને કહ્યું છે કે, ડીએમકે દ્વારા ડાબેરી પક્ષોનું સન્માન કરવામાં આવ્યું છે જેના કારણે આ ગઠબંધનની રચના થઇ હતી. આ શરૂઆત જ જીતથી થઇ હતી. કેન્દ્રની નીતિઓથી લોકો પરેશાન થયેલા હતા. લોકોમાં નારાજગી હતી. આજ કારણસર ગઠબંધનની જીત થઇ છે. હકીકતમાં પોતાની જીત માટે ડાબેરીઓ ડીએમકે ઉપર આધારિત હતા. આ વખતે ડીએમકેની શાનદાર સફળતા તમિળનાડુમાં રહી છે જેનો લાભ ડાબેરીઓને પણ મળી ગયો છે. આ વખતે જયલલિતાની ગેરહાજરીમાં અન્નાદ્રમુકને મોટો ફટકો પડી ગયો છે. તેમના અવસાન બાદ તેમની પાર્ટીની હાલત કફોડી બની છે જ્યારે કરૂણાનીધિના અવસાન બાદ સ્ટાલીનના નેતૃત્વમાં ડીએમકે અન્નાદ્રમુક કરતા આગળ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં અન્નાદ્રમુક અને ડીએમકે વચ્ચે સ્પર્ધા વધી શકે છે.

(9:21 pm IST)