મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સુરત અગ્નિકાંડ : ૧૯ છાત્રના એક સાથે અગ્નિસંસ્કાર કરાયા

સામાન્ય લોકોની આંખમાં આંસુ આવી ગયા : અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા :અહેવાલ મૃતક બાળકના પરિવારજન અર્ધબેભાન સ્થિતિમાં દેખાયા

સુરત,તા. ૨૫  :સુરત અગ્નિકાંડની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા તમામ બાળકોના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ સંસ્કાર વેળા  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ૧૯ બાળકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકોના આંખમાં આસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો સર્જાયા હતા. એકસાથે ૧૯થી વધુ બાળકોની અર્થીઓ ઉઠતાં આખુ સુરત હીબકે ચઢયું હતું. બાળકોની અંતિમયાત્રામાં સુરતના હજારો નાગરિકો સ્વયંભુ જોડાયા હતા. બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે મૃતકોના પરિવારજનોની સાથે સાથે સામાન્ય લોકોની આંખમાંથી આંસુ સરી પડયા હતા. સાથે સાથે સુરત મનપા સહિતના જવાબદારો સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. ગઇકાલે સુરતમાં બનેલા અગ્નિકાંડને પગલે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ અગ્નિકાંડના ૨૩ હતભાગી બાળકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, ત્યારે આજે ૨૩માંથી ૧૯ બાળકોની એક સાથે અર્થી ઉઠતાં આખુ સુરત જાણે હીબકે ચડ્યું હતું અને કોણ કોને છાના રાખે એવી સ્થિતિ ઉભી થઈ હતી. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો, સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આ ઘટનાનો આઘાત કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે એવો હતો. જ્યાં ખાદીની માનવતા મરી પરવારી હતી ત્યાં સુરતીઓની સંવેદનશીલતા આજે જોવા મળી હતી. રાજકારણીઓ માત્ર અને માત્ર સાંત્વના આપીને રવાના થઈ ગયા હતા ત્યારે ગઈકાલ સાંજથી આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઉભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતી લાલાઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.

મૃતકોના નામ જાહેર...

સુરત શહેરમાં પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે ખેલાયેલા આગના મોતના તાંડવમાં ૨૩ હસતા રમતા બાળકોના મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં મોટાભાગના પાટીદારો રહ્યા છે તેમના નામની ઓળખ કરાઈ છે તેમાં ઋતુ સંજય સાકરિયા, દિનેશ કેવળિયા, હસ્તી હિતેશ સુરાણી, યેશા રમેશ ખડેલા, દૃષ્ટિ વિનુ ખૂંટ, જાહ્નવી ચતુર વસોયા, કૃતિ નીલેશ દયાળ, માનસી પ્રવીણ વરસાણી, ગ્રિષ્મા જયેશ ગજેરા,

ઇશા કાંતિ કાકડિયા, જાહ્નવી મહેશ વેકરિયા, વંશવી જયેશ કાનાણી,

ક્રિષ્ણા સુરેશ ભીડકિયા, ખુશાલી કિરીટ કોટડિયા, રુમિ રમેશ બલર

નિસર્ગ પરેશ કાતરોડિયા, મિત દિલીપ સંઘાણી, અંશ મનસુખ ઠુંમર

રુદ્ર ઇશ્વર ડોંડાનો સમાવેશ થાય છે.

(7:42 pm IST)