મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

દાઉદ ઇબ્રાહીમના સાથીદાર યુનુસ અન્સારી સહિત ૩ પાકિસ્‍તાની અને ૨ નેપાળીની ધરપકડ

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ સાથીદાર એવો યુનુસ અનસારી નેપાળમાં પકડાયો છે. તેની સાથે 3 પાકિસ્તાની નાગરિક અને બે નેપાળીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને નેપાળના કાઠમંડુના ત્રીભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ભારતીય ચલણી નોટ 2000ની નકલી નોટોનો મોટો જથ્થો પણ પકડવામાં આવ્યો છે.

નેપાળ પોલીસના પ્રવક્તા અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ બિશ્વો રાજ પોખારેલે આ અંગે જણાવ્યું કે, "અમે યુનુસ મિયાં અનસારીની 3 પાકિસ્તાની અને 2 નેપાળી લોકો સાથે ભારતીય ચલણી નોટો સાથે ત્રીભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તેઓ નકલી ભારતીય ચલણી નોટો સાથે કતરથી નેપાળ આવ્યા હતા, પરંતુ તેમના પાસપોર્ટમાં એવું બતાવે છે કે તેમની મુસાફરી પાકિસ્તાનથી જ શરૂ થઈ હતી."

પકડવામાં આવેલા 3 પાકિસ્તાની નાગરિકો નીચે મુજબ છે.

1. મોહમ્મદ અખ્તર  (passport number: AA134594 અને tracking number: 10332025612)

2. નાદિયા અનવર  (passport number: CN1812032 અને tracking number: 10341769589)

3. નસિરુદ્દીન (passport number: AR2406432 અને tracking number: 10301689178).

આ લોકોને એરપોર્ટ પર રિસિવ કરવા આવેલા યુનુસ અનસારીની પણ પોલીસે ધરપકડ કરી છે. તેની સાથે આવેલા બે સ્થાનિક નેપાળી સાહેલ ખાન(યુનુસનો સંબંધી) અને સુજાના રનાભાટ (યુનુસનો ડ્રાઈવર)ની પણ નેપાળની પોલીસે ધરપકડ કરી છે. યુનુસ અનસારી હજુ થોડા મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો હતો. તેને ગેરકાયદે ચલણી નોટો ધરાવવા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી.

કોણ છે યુનુસ અનસારી?

યુનુસ અનસારી નેપાળના મંત્રી સલિમ મિયા અનસારીનો પુત્ર છે અને તે છેલ્લા બે દાયકાથી નકલી ભારતીય ચલણી નોટોના વેપાર સાથે સંકળાયેલો છે. યુનુસના તેના પિતા સાથે ઘણા સંબંધો નથી. તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે કામ કરે છે અને નેપાળમાં રહીને નકલી ભારતીય ચલણી નોટોને ભારતમાં ઘુસાડવાનું કામ કરે છે.

આ અગાઉ 2 જાન્યુઆરી, 2009માં પણ તે નકલી ભારતીય ચલણી નોટો સાથે પકડાયો હતો. તેને 2.45 બિલિયનની ભારતીય ચલણી નોટો સાથે ત્રિપુરેશ્વરની બ્લ્યૂ બર્ડ હોટલમાંથી પકડવામાં આવ્યો હતો. ત્યાર પછી 2 ફેબ્રુઆરી, 2014ના રોજ તેના બે સાથીદારો અને 3.5 મિલિયનની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો સાથે તેની લલિતપુરના નખીપોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા પછી તેને છોડી દેવાયો હતો.

(5:15 pm IST)