મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

કોંગી હાઇકમાન્ડ હચમચ્યું: નિષ્ક્રીય-નઠારાઓને હાંકી કઢાશે

દિલ્હીની વર્કિંગ કમીટીની બેઠકમાં ગંભીર ચર્ચાઃ તટસ્થ આગેવાનોના લેવાયા અભિપ્રાયોઃ આંતરીક સર્વે શરૂ થઇ ગયાના નિર્દેશો : વષોથી જામી ગયેલા પરંતુ કાંઇ ઉકાળી નહીં શકનારાઓનું વજન ઘટાડાશેઃ એકાદ-બે દિ'માં અસર નજરે પડે તેવી સંભાવના

રાજકોટ તા. રપ : લોકસભામાં કોંગ્રેસ માટે ચોંકાવનારા પરિણામો આવતા હાઇકમાન્ડ હચમચી ઉઠયું છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં મળેલી કારમી હાર પાછળના કારણો અંગે આજે દિલ્હી ખાતે મળેલી વર્કિંગ કમીટીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના મોવડીઓ ગંભીર અને અસરકારક પગલા લઇને કોંગ્રેસને ફરી ધમધમતી કરવા માટે ગહન ચર્ચામાં પરોવાયા હતા. મળતા અહેવાલો મુજબ નિષ્ક્રીય નઠારા અને નકામા એવા શોભાના ગાંઠીયા સમા આગેવાનોનું વજન અને કદ ઓછું કરી યુવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે તેમ મનાય છ.ે

ગુજરાત સહિતના રાજયોમાંં વર્ષોથી જામી ગયેલા અને પરિણામ નહી લાવી શકતા આગેવાનો ઉપર સત્તાકાપ મુકાય તેવા નિર્દેશો મળેછે.

દિલ્હી સ્થિત ટોચના કોંગી સુત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ દેશભરમાંથી જુથવાદથી બાજુએ રહેલા તટસ્થ આગેવાનોના અભિપ્રાય લેવાની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ થઇ ગયાનું અને વ્યવસ્થીત આંતરીક સર્વે પણ ગુપ્તપણે શરૂ થઇ ગયાનું જાણવા મળે છે.કોંગ્રેસની જ વાત કરીએ તો વર્ષોથી કોંગ્રેસ માટે જાત ઘસી નાખનારા પરંતુ જુથવાદમાં માનતા ન હોય બાજુ પર હડસેલી દેવાયેલા નિષ્ઠાવાન તટસ્થ આગેવાનો પાસેથી કોંગ્રેસના પરાજય અને અત્યંત નબળા દેખાવ પાછળના કારણો જાણવા માટેના ચક્રો ગતિમાન થઈ ગયાનું મનાય છે.

વર્ષોથી ચોક્કસ વિચારધારા ઉપરાંત ચોક્કસ માન્યતા અને નવા નિશાળીયાઓ ઉપર આંધળો વિશ્વાસ મુકી દેવાની બાબતે પણ ગંભીરપણે વિચારાઈ રહ્યાનું કહેવાય છે.

અમદાવાદ સ્થિત અમુક આખાબોલા આગેવાનોએ હાઈકમાન્ડ સુધી અમુક ચોંકાવનારી વિગતો પણ પહોંચાડવાની વાતો ફેલાઈ રહી છે.

ટૂંકમા કહીએ તો આજની દિલ્હી ખાતેની સીડબલ્યુસી બેઠક બાદ એકાદ-બે દિવસમાં જ હાઈકમાન્ડની આક્રમકતા અને ત્વરીત ગતિએ કોંગ્રેસની ગાડી સાચા ટ્રેક પર લાવી દેવા માટે કડક પગલાઓનો અહેસાસ દેશની જનતા કરશે તેમ ચર્ચાય છે.

(3:35 pm IST)