મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સુનંદા પુષ્કર મોત મામલે ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીની અરજી કોર્ટે ફગાવી : કહ્યું તેમનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી

ઉંડી તપાસ કરવા માટે જનહિત અરજી દાખલ કરવાનો કોઈ અધિકાર નથી

નવી દિલ્હી :દિલ્લીની એક અદાલતે ભાજપ નેતા અને રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જેમાં સ્વામીએ કોંગ્રેસ નેતૈ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મોત મામલે પુરાવા સાથે છેડછાડ પર વિજિલન્સ રિપોર્ટ શેર કરવા માટે પોલિસને નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ અરુણ ભારદ્વાજે કહ્યુ કે તેમનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી.

 જજે કહ્યુ કે હત્યા મામલે ઉંડી તપાસ કરવા માટે જનહિત અરજી દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યુ કે બચાવ પક્ષની એ દલીલ સાચી છે કે પોલિસ પોતાના સ્તરે તપાસ કરી ચૂકી છે. સાથે બીજા પક્ષના વકીલ સમગ્ર મામલે યોગ્ય રીતે પોતાનો પક્ષ રાખી રહ્યા છે. એવામાં આ મામલે ત્રીજા પક્ષની મદદની કોઈ જરૂર નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ના રોજ દક્ષિણ દિલ્લીના લીલા પેલેસ હોટલમાં મૃત મળી આવી હતી. ત્યારબાદ પોલિસે શશિ થરૂર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498 એ (મહિલાના પતિ કે સંબંધીઓ દ્વારા ક્રૂરતાથી પોતાના વશમાં કરવુ) અને 306 (આત્મહત્યા માટે ઉકસાવવા) હેઠળ કેસ નોંધ્યો હતો પરંતુ હજુ સુધી થરૂરની ધરપકડ થઈ નથી.

  દિલ્લી પોલિસે 3000 પાનાંની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે થરૂરે સુનંદા પુષ્કર સાથે ઘણો હિંસક વ્યવહાર કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદા પુષ્કરના શરીર પર ઈંજેક્શનના નિશાન હતા. હોટલના જે રૂમમાં તેમની લાશ મળી ત્યાં ઉંઘની ગોળીએ પણ મળી આવી હતી. થરુર અને તેમના પત્ની સુનંદા એ વખતે હોટલમાં રોકાયા હતા કારણકે તેમના સરકારી બંગલામાં કંસ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યુ હતુ.

(2:50 pm IST)