મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

વડાપ્રધાન થવાના સપના જોનારા વિપક્ષના નેતા બનવાને લાયક પણ ના રહ્યાઃ પાસવાનના પ્રહાર

તેજસ્વી યાદવ દ્વારા ચૂંટણી પ્રચારમાં નીતિશ કુમાર સામે પ્રચાર કરવા પર વાંધો વ્યક્ત કર્યો

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી પરિણામોમાં એનડીએને પ્રચંડ જીત મળી છે. જીત બાદ નિવેદનબાજીનો દોર ચાલુ રહયો છે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પર કટાક્ષ કરીને કહ્યુ કે જે લોકો પ્રધાનમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા તે વિપક્ષ બનવાને લાયક પણ નથી બચ્યા.

  રામ વિલાસ પાસવાને કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યુ કે જે લોકો પ્રધાનમંત્રી પદની ખુરશી પર બેસવા ઈચ્છી રહ્યા હતા તે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવામાં પણ નિષ્ફળ થઈ ગયા છે. તેમણે કહ્યુ કે મે પહેલા જ સ્મૃતિ ઈરાનીના ચૂંટણી જીતવાની સંભાવના વ્યક્ત કરી હતી.

  તેમણે કહ્યુ કે હું છેલ્લા ત્રણ વર્ષથી કહી રહ્યો છુ કે પ્રધાનમંત્રી પદ માટે આગામી ચૂંટણીમાં પણ કોઈ જગ્યા ખાલી નથી એટલા માટે લોકો વિપક્ષની ખુરશી તરફ ધ્યાન આપે. તેમણે કહ્યુ કે હું હવામાન વૈજ્ઞાનિક નથી પરંતુ કોંગ્રેસને વિપક્ષની ભૂમિકા નિભાવવા જેટલી સીટો પણ નથી મળી. તેમણે કહ્યુ કે હું જે કહુ છુ તે થઈ જાય છે.

 તેમણે આરજેડી નેતા તેજસ્વી યાદવ દ્વારા ચૂંટણી પ્રચારમાં નીતિશ કુમાર સામે પ્રચાર કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યુ હતુ કે તેજસ્વી નીતિશને 'પલટુ ચાચા' કહીને સંબોધિત કરી રહ્યા હતા, તેમણે પોતાની અને નીતિશ કુમારની ઉંમરના તફાવતને સમજવો જોઈએ. તેમણે કહ્યુ કે રાબડીએ લાલુજીના નામ પર મત માંગ્યા તેમ છતા જનતાએ નકારી દીધી. તેમણે કહ્યુ કે બિહારની જનતાએ આરજેડીના અહંકારને તોડી દીધો છે.

(2:15 pm IST)