મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

ચાર નવા જજના શપથગ્રહણઃ ૧૧ વર્ષમાં પ્રથમવાર જસ્ટિસની સંખ્યા ૩૧ થઇ

સુપ્રીમકોર્ટમાં હવે ૩૧ જ્જઃ સરકારે ર૦૦૮ માં ર૬થી વધારીને ૩૧ પદ કર્યા હતા

નવી દિલ્હી તા. રપ :.. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જ્જને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતાં. હવે ઉચ્ચ અદાલતમાં જ્જની નિર્ધારીત સંખ્યા (૩૧) પુરી થઇ ગઇ છે. નવા જ્જમાં જસ્ટિસ અનિરૂધ્ધ બોઝ, જસ્ટિસ એ. એસ. બોપન્ના, જસ્ટિસ બી. આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. કોલેજિયમે ગત દિવસોમાં તેમના નામની ભલામણ કેન્દ્રની પાસે મોકલી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે બુધવારે ચાર જ્જની નિમણુક માટે આદેશ જાહેર કર્યા હતાં.

વરિષ્ઠ ક્રમ મુજબ જસ્ટિસ ગવઇ ર૦રપ માં છ મહિના માટે ચીફ જસ્ટિસ બનશે. તેઓ જસ્ટિસ (રિટાયર્ડ) કે. જી. બાલકૃષ્ણન પછી અનુસુચિત જાતીમાંથી આવતા બીજા સીજેઆઇ હશે. એ બાદ જસ્ટિસ સૂર્યકાંત તેમના ઉત્તરાધિકારી હશે અને નવેમ્બર ર૦રપ થી ફેબ્રુઆરી ર૦ર૭ સુધી સીજેઆઇનું પદ સંભાળશે. જસ્ટિસ ગવઇ બોમ્બે હાઇકોર્ટના જ્જ, જયારે જસ્ટિસ સૂર્યકાંત હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકયા છે.

કેન્દ્રએ વરિષ્ઠતાનો હવાલો આપીને જસ્ટિસ બોઝ અને બોપન્નાની નિમણુંક માટે કોલેજિયમની મંજૂરીને નકારી દીધી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કોલેજિયમની કેન્દ્રની દલીલને ફગાવતી નિમણુકની ભલામણ કેન્દ્ર પાસે મોકલી દીધી હતી. જસ્ટિસ બોઝ ઝારખંડ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ હતા અને જ્જની નિમણુકના ક્રમમાં ૧ર નંબર પર છે. તો જસ્ટિસ બોપન્ના ગૌહાટી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ હતા અને જ્જના વરિષ્ઠ ક્રમમાં ૩૬માં નંબરે છે.

(11:54 am IST)