મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

તોતિંગ બહુમતી અર્થવ્યવસ્થા માટે શુભ સંકેત

આર્થિક સુધારાઓ વેગ પકડશે : અર્થવ્યવસ્થામાં ઘરેલું-વિદેશી રોકાણકારોનો ભરોસો રહેશે : કૃષિ સંકટને દૂર કરવા સરકારનું ફોકસ રહેશે : શેરબજાર નવી ઉંચાઇએ જશે

નવી દિલ્હી, તા. રપ :  ભાજપાને આ ચૂંટણીમાં મળેલ ભારે બહુમતિને દુનિયાની પ્રસિધ્ધ આર્થિક થીંક ટેંક અને નાણાંકીય સલાહકાર કંપનીઓએ ભારતીય અર્થવ્યવસ્થા માટે એક શુભ સંકેત ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે સ્પષ્ટ બહુમતિવાળી સરકાર મોટા આર્થિક સુધારાઓની ગતિને ઝડપી બનાવી શકે છે. આના લીધે સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો ભારતીય અર્થ-વ્યવસ્થા પર વિશ્વાસ વધશે. જેની અસર અહીંના શેરબજારમાં પણ દેખાશે. જેપી મોર્ગને કહ્યું કે સ્પષ્ટ બહુમતિ વાળી સરકાર આવવાથી ભારતીય ઇકવીટી બજારમાં સ્થાનિક જોખમ ઓછુ જશે. નિફટી આગામી છ મહિનામાં ૧રપ૦૦ ના સ્તરે પહોંચવાની આશા છે કેમકે રોકાણકારો સામેથી અનિશ્ચિતતાના વાદળો હરી ગયા છે.

ક્રેડીટ સ્વીસે કહ્યુ઼ છે કે નવી સરકાર પાસેથી આશા છે કે તે ન્યાય અને કરસંબંધી સુધારાઓને સૌથી વધારે પ્રાથમિકતા આપશે કેમકે સુધારાના માર્ગના તે સૌથી મોટા રોડા છે. સાથે જ સરકારી બેંકોના મોટા પાયે મર્જરમાં વધારો થશે જેનાથી અર્થ-વ્યવસ્થા મજબૂત થશે અને તેની અસર બજાર પર પણ દેખાશે. જાપાનની રોકાણ સલાહકાર એજન્સી નોમુરાનો અંદાજ છે કે મોદીની આગેવાની વાળી સરકારનું ફોકસ ખેતી ક્ષેત્રમાંના સંકટને દૂર કરવા પર રહેશે. નોમુરાએ એમ પણ કહ્યું કે સ્પષ્ટ બહુમતિનો અર્થ છે કે સરકાર આર્થિક સુધારાઓ ચાલુ રાખી શકશે અને આગળ પણ વધારી શકશે.

દશેની કંપની કોટક સીકયોરીટીઝનો અંદાજ છે કે નવી સરકાર માટે આર્થિક એજન્ડા જ સૌથી મહત્વપૂર્ણ રહેશે પણ આ એજન્ડાનો ફાયદો સમાજના મોટાભાગના વર્ગને મળશે જેમકે દરેક પરિવારને ઘર આપવાની યોજના જયારે સક્રિયતા પૂર્વક અમલી બનાવાશે તો તે પોતાની સાથે કેટલાય, પ્રકારની આર્થિક  ગતિવિધિયો આગળ વધારશે. યોગ્ય વાતાવરણ ઉભું થશે તો વ્યાજદરોમાં એક ટકા ઘટાડાની પણ આશા છે.

(11:40 am IST)