મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

શું કોંગ્રેસના અધ્યક્ષ ગાંધી પરિવારના નહિ હોય ? શું આજે રાહુલ પદ છોડશે ?

આજે કોંગ્રેસ કારોબારીની મહત્વની બેઠકઃ રાહુલની નેતૃત્વમાં કોંગ્રેસનો ધબડકો થયો છેઃ બહારની વ્યકિત સુકાન સંભાળે તેવી માંગ ઉઠશે

નવી દિલ્હી તા. રપ : ર૦૧૪ પછી ર૦૧૯ ની ચૂંટણીમાં થયેલી કારમી હાર પછી કોંગ્રેસના નેતૃત્વ પર ફરીથી સવાલો ઉભા થવા લાગ્યા છે. ખરેખર તો ગઇ લોકસભા ચૂંટણી આ ચૂંટણી દરમ્યાન એક પછી એક વિધાનસભાઓમાં કોંગ્રેસ હારતી રહી હતી પણ ગુજરાત વિધાન સભામાં કોંગ્રેસના પ્રદર્શનમાં થયેલા સુધારા પછી રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ઉઠતા સવાલોમાં વિરામ આવ્યો હતો પણ અત્યારના પરિણામોમાં ફરી એકવાર કોંગ્રેસના નિરાશા જનક પ્રદર્શન પછી ફરીથી કોંગ્રેસમાં આ સવાલો શરૂ થયા છે.

પરિણામો પછી રાહુલ ગાંધીના રાજીનામાની ચર્ચા પણ તેજ થઇ ગઇ છે એવું કહેવાય છે કે આજે મળનારી કોગ્રેસ વર્કિંગ કમીટીની મીટીંગમાં રાહુલ પોતાનું રાજીનામુ આપવાની પેશકશ કરશે જો કે તેમની આ પેશકશ ફકત ઔપચારિકતા જ હશેપણ આથી સાથેસાથે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે કે કોંગ્રેસે હવે પોતાના નેતૃત્વ માટે ગાંધી પરિવારની બહાર પણ જોવાની કોશિષ કરવી જોઇએ.

આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે લગભગ ૧૮ વર્ષ સુધી કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યા પછી સોનિયાએ આ નેતૃત્વ પોતાના પુત્ર રાહુલને સોપ્યુ ઔપચારિક રીતે રાહુલે ભલે ર૦૧૭ થી નેતૃત્વ સંભાળ્યું  પણ પક્ષના નીતીવિષયક નિર્ણયો તેમણે તે પહેલાજ લેવાના ચાલુ કરી દીધા હતા રાહુલના કાર્યકાળમાં કોંગ્રેસને કેટલાક રાજયોમાં સતા મેળવવામાં સફળતા ભલે મળી હોય પણ પાયાના સ્તરે તેમ કોઇ સુધારો નથી થયો.

આ ચૂંટણી પહેલા ગાંધી પરીવારની ત્રીજી સભ્ય પ્રિયંકા ગાંધી પણ સક્રિય રાજનીતીમાં આવી ગયા. પણ તેના આવવાથી પણ પક્ષની સ્થિતિમાં કોઇ સુધારો નથી થયો એટલે હવે પક્ષની જવાબદારી આ પરિવારની બહાર કોઇને સોંપવી કે નહી તેવો પ્રશ્ન થવો વાજબી છે જો કે આ બાબતે કોંગ્રેસમાં મત મતાતંર છે. પાકકા કોંગ્રેસીઓ આ વિચારને ભાજપનો દુપ્રચાર ગણાવે છે જયારે અમુક વર્ગ એવુ પણ કહે છે અત્યારે કોંગ્રેસમાં એવુ કોણ છે જે આ જવાબદારી સંભાળી શકે. (૬.૧૮)

(11:39 am IST)