મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

બે ડઝનથી વધુ બેઠકો પર નોટાએ બદલાવ્યા પરિણામ

નોટાના બટને આ વખતે પણ મહત્વની ભૂમિકા ભજવી

નવી દિલ્હી, તા. ૨૫ :. ચૂંટણી પ્રક્રિયામાં નોટાના બટને આ વખતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશભરમાં લોકસભાની એવી કેટલીય બેઠકો હતી જ્યાં જીતનું અંતર નોટાને મળેલ મત કરતા પણ ઓછું રહ્યું. લગભગ બે ડઝનથી વધારે બેઠકો પર ઉમેદવારોને નોટાના કારણે હારનો સામનો કરવો પડયો. લોકસભાની કેટલીક બેઠકો એવી હતી જ્યાં નોટાનો નંબર ત્રીજા સ્થાન પર હતો.

થોડાક ઉદાહરણો જોઈએ તો બિહારની જ્હાનાબાદ બેઠક પર જનતા દળ (યુ)ના ચંદ્રેશ્વર પ્રસાદ ૧૭૫૧ મતથી જીત્યા હતા, જ્યારે ત્યાં નોટાના મત ૨૭૬૮૩ હતા.

આવી જ રીતે ઝારખંડમાં ખુંટી બેઠક પર ભાજપાના અર્જુન મુંડાએ કોંગ્રેસના ઉમેદવારને ૧૪૪૫ મતથી હરાવ્યા હતા. અહીંયા નોટાના મત હતા ૨૧૨૪૫ અને ઝારખંડમાં જ લોહરદગા બેઠક પર ભાજપાના ઉમેદવાર સુદર્શન ભગતે ૧૦૩૬૩ મતથી જીત મેળવી હતી ત્યાં નોટાના મત હતા ૧૦૭૮૩.

નોટાના મતની સંખ્યા જોઈએ તો બિહારમાં સૌથી વધુ નોટાના મત પડયા હતા. બિહારમાં ૮,૧૭,૧૩૯ મતો નોટાના હતા ત્યાર પછીના ક્રમે ઉત્તર પ્રદેશ ૭,૨૫,૦૭૯, ઝારખંડ ૧,૮૯,૩૬૭, ઉત્તરાખંડમાં ૫૦૯૪૬, દિલ્હીમાં ૪૫૬૫૪ અને હરિયાણામાં ૪૧૭૮૧ મત નોટાને મળ્યા હતા.

(10:35 am IST)