મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

રાહુલે મત વિસ્તાર ઉપર ધ્યાન જ ન આપ્યું

૪-૪ દાયકાથી અમેઠીએ રાહુલ ગાંધી તેમના પિતા રાજીવના નામે મત મેળવતા'તા

સ્મૃતિ ઇરાની સતત મતદારો વચ્ચે રહ્યા

અમેઠી, તા.૨પઃ લોકસભાની ચૂંટણીના પરિણામ સામે આવતા જ ફરી એકવાર સમગ્ર દેશમાં સ્પષ્ટ બહુમતિ સાથે ભગવો લહેરાયો હતો. પરંતુ આ બધા વચ્ચે ચાર દાયકાથી કોંગ્રેસની પરંપરાગત સીટ રહેલી અમેઠીના લોકોએ આ વખતે કોંગ્રેસને પણ જાકારો આપીને સ્મૃતિ ઈરાનીને જીત અપાવી હતી. અમેઠીના પરિણામથી દેશભરમાં અપસેટ સર્જાયો છે.

અમેઠીમાં દુકાનદાર સુશિલા શુકલા જણાવે છે, અમારા પરિવારમાંથી આ વખતે માત્ર મેં જ કોંગ્રેસને વોટ આપ્યો હતો. રાહુલ અહીં વિકાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ માત્ર તેમના પિતા રાજીવ ગાંધી જયારે સાંસદ હતા ત્યારે તેમના દ્વારા કમાવાયેલી શાખના કારણે જ અહીં હતા.

મુનશીગંજમાં સંજય ગાંધી હોસ્પિટલની નજીક દુકાન ધરાવતા એક નામ ન જણાવવાની શરતે કહ્યું, રાહુલને પાઠ ભણાવવાની જરૂર હતી. અમને હતું કે ૨૦૦૦-૩૦૦૦ જેટલા વોટોના અંતરથી જીતથી તેમને એક વોર્નિંગની મળશે પરંતુ અમે નહોતું વિચાર્યું કે તેઓ હારી જશે. આ વખતે તેમની વિરુદ્ઘની લાગણી વધારે મજબૂત હતી. દુકાનદાર વધુમાં કહે છે તેણે રાહુલ માટે વોટ આપ્યો પરંતુ તેમના પ્રયત્નોથી સ્પષ્ટ થાય છે કે પોતાની સીટ જીતવા માટે કંઈ ખાસ વધારે પ્રયાસો કર્યા નહોતા. ૨૦૧૪દ્ગક ચૂંટણીમાં પણ ઈરાનીએ સારી ટક્કર આપી હતી, આ તેમના માટે એક જાગૃત થવાનો સમય હતો.

કોંગ્રેસ પાર્ટી તરફ પ્રામાણિકતાની વાત આવે ત્યારે અમેઠીમાં સ્પષ્ટ જનરેશન ગેપ જોવા મળે છે. મોટી ઉંમરના લોકોમાં કોંગ્રેસ હજુ પણ લોકપ્રિય છે, તેમાંથી મોટાભાગના લોકોએ ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીનું કામ જોયેલું છે. જયારે યુવાનો ભાજપ સરકાર આવવાથી ખુશ છે. દ્યણા લોકોએ જણાવ્યું હતું કે આ સીટ પાછી મેળવવા માટે રાહુલે વધારે કામ કરવું પડશે. સ્થાનિક રામલાલ યાદવ કહે છે, જો સ્મૃતિ ઈરાની ૫ વર્ષમાં સારું કામ કરે છે તો તેમને બદલવાનું કોઈ કારણ નથી.

સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં લોકપ્રિયતા અને વોટ મળવા પાછળનું સામાન્ય કારણ ૨૦૧૪ની ચૂંટણીમાં હાર્યા બાદ પણ તેમનું અમેઠી પ્રત્યેનું સમર્પણ છે. તેમને યાદ છે સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરતા. ગૌરીગંજમાં વકીલ વિનોદ કુમાર શુકલા કહે છે, અમે દેશભકિત અને દેશહિતમાં મોદીને વોટ કર્યો છે. રાહુલે અહીં કંઈ કર્યું નથી તે પોતાના પિતા રાજીવ ગાંધીના નામ પર વોટ મેળવી રહ્યા હતા. સ્મૃતિ ઈરાની ૨૦૧૪માં હાર્યા બાદ પણ તેઓ અહીં આવતા જયારે રાહુલ સાંસદ તરીકે અહીં કયારેય આવ્યા નથી

(10:33 am IST)