મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટમાં આ વખતે ઘણા નવા ચહેરાઓ દેખાશે

અમિત શાહની પણ કેબિનેટમાં એન્ટ્રી થશે : વિદાય લેતી ટીમ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટનુ આકાર આ વખતે અલગ હોઇ શકે : અનેક જુના ચહેરા નહીં રહે

નવી દિલ્હી,તા. ૨૪ : લોકસભાની ચૂંટણી માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદી સરકારની વાપસી થઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વખતે મોદી કેબિનેટમાં કેટલાક નવા આશાસ્પદ ચહેરાને સામેલ કરવામાં આવનાર છે. જ્યારે એનડીએના સાથી પક્ષોને વધારે જગ્યા મળી શકે છે. મોદી કેબિનેટનુ સ્વરૂપ આ વખતે વિદાય લેતી પહેલાની કેબિનેટ ટીમ કરતા અલગ હોઇ શકે છે. જાણકાર લોકોના કહેવા મુજબ કેટલાક વરિષ્ઠ નેતાઓ અને જુના ચહેરા આરોગ્યના કારણોસર અને અન્ય મુદ્દાઓના લીધે રાજકારણમાંથી નિકળી જનાર છે. તેમની જગ્યાએ યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવનાર છે. મોદી કેબિનેટમાં કેટલાક મહત્વના ખાતાને લઇને ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં નાણાં મંત્રાલયનો પણ સમાવેશ થાય છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી પણ આરોગ્યના કારણસર આ વખતે કેબિનેટમાં ન રહે તેવી વકી છે. જો કે અંતિમ નિર્ણય જેટલી દ્વારા કરવામાં આવનાર છે. જો જેટલી નાણાં પ્રધાન નહીં બને તો તેમની જગ્યાએ પિયુશ ગોયલને મોટી જવાબદારી મળી શકે છે.વિતેલા વર્ષોમાં જેટલીની જગ્યાએ કેટલીક વખત નાણાં પ્રધાન તરીકેની જવાબદારી ગોયલે સંભાળી હતી. સુષ્મા સ્વરાજ ચાલુ રહેશે કે કેમ તે અંગે માહિતી મળી શકી નથી. બાજપ પ્રમુખ અમિત શાહ પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તેમને ગૃહ પ્રધાન બનાવવામાં આવી શકે છે. જ્યારે કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવી શકે છે. નિર્મલા સીતારામન કેબિનેટમાં ખાસ સ્થાન મેળવશે. તેમને સ્વરાજની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી શકે છે. સ્મૃતિ ઇરાનીને પણ તક આપવામાં આવનાર છે. અમિત શાહની કેબિનેટમાં એન્ટ્રી ચોક્કસ બની છે.

 અમિત શાહ લોકસભામાં એન્ટ્રી કરી ચુક્યા છે. હવે મોદી સરકારની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં શામેલ થઈ શકે છે. મોદી સરકારની બીજી અવધી દરમિયાન તેમને મોટી જવાબદારી મળી શકે છે. ગુજરાતમાં અમિત શાહ મોદીની નેતૃત્વમાં જ્યારે સરકાર હતી ત્યારે ગૃહમંત્રી તરીકે હતા.

(12:00 am IST)